Vadodara

ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીના મોતથી વિદ્યાર્થી સંગઠનોમાં રોષ

યોગ્ય તપાસની માંગ સાથે હેડ ઓફિસ ખાતે ABVPનું વિરોધ પ્રદર્શન :

યુનિવર્સીટીના વીસી દ્વારા ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી યોગ્ય તપાસ કરવા ખાતરી :

( પ્રતિનિધી )વડોદરા,તા.30

એમએસ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીના સ્ટુડિયોમાં કામ કરતી વખતે વિદ્યાર્થિની કાજલ ચૌધરીને વીજ કરંટ લાગતા મોત થયું હતું. જેને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો ઘટનાની યોગ્ય તપાસની માંગ સાથે યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જોકે ગેટ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મેનેજમેન્ટ સામે બળાપો કાઢ્યો હતો.

એમએસયુની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં માસ્ટર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વલસાડની વિદ્યાર્થિનીનું વીજ કરંટ લાગતા મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર ફેકલ્ટીમાં ગમગીની ફેલાઈ ગઈ છે. ત્યારે, આ ઘટનાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તાઓ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તેઓ પહોંચે તે પહેલાં જ હેડ ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ વિદ્યાર્થી આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

એબીવીપીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવામાં આવે, જ્યાં રિપેરિંગની જરૂર હોય ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, મૃતક વિદ્યાર્થિનીના પરિવારને આર્થિક મદદ આપવામાં આવે સાથે યુનિવર્સિટી સ્તરે સેફ્ટી કમ્યુનિટીની રચના કરવામાં આવે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, ઉપરાંત ઘટના બની ત્યાં ફેકલ્ટીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા સહિત ઝડપી ન્યાય મળે તેવા પગલાં લેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી અને જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધ આંદોલન હાથ ધરવામાં આવશેની ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે બીજી તરફ વિદ્યાર્થિનીના મોતને લઈ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભાણગેએ દુઃખની લાગણી વ્યક્ત કરી યોગ્ય તપાસ થશે હોવાનું જણાવ્યું હતું.


ઘટના પર ઢાંક પીછોડો કરવાના આક્ષેપ સાથે ડીનનો ઘેરાવો

ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના સ્ટુડિયોમાં વીજ કરંટ લાગતા વિદ્યાર્થીનીના મોતને પગલે વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે, ત્યારે એબીબીપીના વિદ્યાર્થી આગેવાનો દ્વારા દિન અંબિકા પટેલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મોત અંગેની સાચી હકીકત બહાર લાવવા માંગણી કરી હતી તેમજ વિદ્યાર્થી આગેવાનોએ ફેકલ્ટી ડીન ઘટના પર ઢાંક પીછોડો અને વિદ્યાર્થીઓને ટોર્ચર કરવાના આક્ષેપ પણ કર્યા હતા.

Most Popular

To Top