
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહે પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી
નવાપુરા પોલીસ મથકના કર્મીઓ સાથે ગંગા સિંહના ખરાબ વર્તનથી પોલીસબેડામાં ભારે નારાજગી
વડોદરા મહાનગરપાલિકા ખાતે એક મોરચો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યો હતો. નિયમ મુજબ, આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સ્થાનિક પોલીસ તંત્ર પણ સ્થળ પર હાજર રહે છે. જે મુજબ નવાપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલો પણ પાલિકા ખાતે પહોંચી ગયા હતા. પોલીસ પોતાના ફરજના ભાગરૂપે મોરચાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી રહી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનો પુરાવો રહે અને સમગ્ર પ્રક્રિયાનો રેકોર્ડ તૈયાર થઈ શકે. મોરચો મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહની ઓફિસ સુધી પહોંચ્યો. આ દરમિયાન વિડિયોગ્રાફી કરતા કરતા નવાપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ પણ તેમની ઓફિસ પાસે પહોંચ્યા. જે બાદ મોરચો તેમની ઓફિસમાં દાખલ થતા પોલીસકર્મીઓ પણ ઓફિસમાં ગયા હતા. ત્યાં હાજર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહે મોરચાની સામે જ કોન્સ્ટેબલોને અટકાવ્યા અને “મારી પરમિશન વિના કેમ વીડિયો બનાવ્યો” એવી ટકોર કરી. ત્યારબાદ તેમણે કડક અવાજમાં “ગેટ આઉટ” કહી નવાપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલોને બહાર નીકળી જવા કહ્યું.
આ ઘટનાને કારણે પોલીસકર્મીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. સૂત્રો અનુસાર, કોન્સ્ટેબલ પોતાનું કામ કરી રહ્યા હતા અને કોઈપણ વ્યક્તિગત હેતુથી વીડિયો બનાવવામાં આવ્યો ન હતો. તેમ છતાં, જાહેરમાં અને મોરચાની સામે આ પ્રકારનું વર્તન કરવાથી પોલીસ કર્મચારીઓનું માનસિક મનોબળ ઘટે છે. પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓએ આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેઓનું કહેવું છે કે ફરજ બજાવતા કર્મચારીઓ સાથે આ રીતે વર્તવું યોગ્ય નથી અને એથી પોલીસ-પ્રશાસન વચ્ચે અપ્રિય પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાની સારી છબી દર્શાવતા જોવા મળે છે, પરંતુ આ ઘટનાએ તેમની કાર્યપદ્ધતિ અંગે સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને જાહેર સ્થળે, ફરજ બજાવતા કર્મચારીઓને અપમાનજનક રીતે બોલવું કે બહાર કાઢવું એ બાબત પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બની છે. આવો બનાવ પહેલી વાર નથી જ્યારે નાના સ્તરના કર્મચારીઓને માનસિક દબાણનો સામનો કરવો પડ્યો હોય. પોલીસકર્મીઓએ ફરજ દરમ્યાન સત્તાવાર રીતે વિડિયોગ્રાફી કરવી એ તેમની જવાબદારીનો એક ભાગ છે, તેથી આવી ઘટનાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ અસંતોષ થયો છે. ઘટનાની જાણકારી મળતા જ કેટલાક અધિકારીઓએ આંતરિક ચર્ચા શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.