Kalol

ફતેપુરી ગામના બુટલેગરે ડેરીના ચેરમેનને પદ પરથી હટાવી મારવાની ધમકી આપી

બેફામ બનેલા બુટલેગર થી ગ્રામજનો ત્રસ્ત બન્યા, છેલ્લા અઠવાડિયામાં બે ગુના નોંધાયા


કાલોલ :
ફતેપુરી ગામની મહિલાઓ દ્વારા થોડા દિવસ પહેલા જ બુટલેગર ગામમાં અને દુધ ડેરીમાં દાદાગીરી કરી ગંદી ગાળો બોલી ડેરીના હોદેદારો સાથે ઝઘડો તકરાર કરતો હોવાથી બુટલેગર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે એલસીબી પોલીસે પણ કાલોલ તાલુકાના અલવા ગામ નજીક આવેલા ફતેપુરી ગામે રહેતા રંગીત ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડના ઘરે રેડ કરી પ્રોહી મુદામાલ કબજે કર્યો છે. આ બુટલેગર સામે ધાક ધમકીની વધુ એક ફરિયાદ નોંધાઈ છે.

ડેરીના ચેરમેન સુરેન્દ્રસિંહ પ્રભાતસિંહ રાઠોડ દ્વારા કાલોલ પોલીસમા અપાયેલી ફરિયાદની વિગતો મુજબ સાંજના સુમારે નશાની હાલતમાં રંગીતસિંહ ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડ ડેરી પર આવ્યો હતો અને ક્યાં છે ચેરમેન, ક્યાં છે સેક્રેટરી રમેશભાઈ, તેમ કહી તમે બંનેને હટાવી દઈશ, ચેરમેન હું બનવાનો છું, તમારાથી થાય તે કરી લો, ડેરી પણ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી ગાળો બોલી હતી. આથી સેક્રેટરી, ચેરમેન તેમજ ડેરીના સભ્યો દ્વારા કાલોલ પોલીસમાં અરજી અપાઈ હતી. આ અરજી આપ્યાની બુટલેગરને ખબર પડતા તે ચેરમેનના ઘરે પહોંચ્યો હતો અને ચેરમેનના પુત્ર રાહુલને તારા પિતા સુરેન્દ્રસિંહ મારી વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા છે તેમ કહી ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. 112 ને ફોન કરતા પોલીસ સ્થળ ઉપર આવી હતી . સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે બુટલેગર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top