ફતેપુરાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું
( પ્રતિનિધી ) સુખસર,તા.7
ફતેપુરા તાલુકામાં આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભય મુક્ત વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ફતેપુરા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી કામગીરીને અનુલક્ષીને ફતેપુરાના વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય બજારોમાં પોલીસ કાફલા દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો તેમજ અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવાનો છે.પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભ્રમણ કરી સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો.
આ સંવાદનો હેતુ નાગરિકો કોઈપણ ડર વગર લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ શકે તેવો છે. પોલીસના આ સઘન પેટ્રોલિંગથી સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ પ્રબળ બને તેવો હેતુ છે.પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ વ્યક્તિઓ અને હિલચાલ ઉપર પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે વાહન ચેકિંગ અને અન્ય નિરોધક પગલાં પણ લેવાઈ રહ્યા છે.
પોલીસ પ્રશાસને જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.સમગ્ર તાલુકામાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ રાત-દિવસ કાર્યરત રહેશે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.
રિપોર્ટર : બાબુભાઈ સોલંકી