ફતેપુરા તાલુકા આંગણવાડી કેન્દ્રો માંથી નિવૃત્ત થયેલી 40 જેટલી નિવૃત્ત મહિલાઓ વહીવટી પારદર્શક કામગીરીના અભાવે પેન્શન મેળવવા મજબૂર?
ફતેપુરા તાલુકા સી.ડી.પી.ઓ કચેરીનો વહીવટ સુધારવા માંગ
( પ્રતિનિધિ ). સુખસર,તા.3 ફતેપુરા તાલુકામાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસનો વહીવટ વર્ષોથી કથળતો જઈ રહ્યો છે.જેના લીધે સરકારના આયોજન મુજબ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકો ને મળવું જોઈતુ શિક્ષણ તેમજ પૌષ્ટિક આહારનો અભાવ જોવા મળે છે. જ્યારે કેટલીક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી સંચાલકની વર્ષોથી જગ્યા ખાલી હોય આગણવાડી તેડાગર તરીકે ફરજ બજાવતી કર્મચારી પાસે સંચાલિકાની ફરજ બજાવાઈ રહી છે. જ્યારે કેટલીક આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી તેડાગરની જગ્યા પણ ખાલી છે.તે ભરવામાં આવતી નથી. અને જેમાંએ ખાસ કરીને વર્ષો અગાઉ આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ નિવૃત્ત વૃદ્ધાઓ વર્ષો વિતવા છતાં પેન્શન માટે વલખાં મારતી હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે ફતેપુરા તાલુકા સી.ડી.પી.ઓ કચેરીનો વહીવટ સુધારવાની ખાસ જરૂરત હોય તેમ જણાય છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકા સી.ડી.પી.ઓ કચેરી દ્વારા તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં વર્ષો અગાઉ ફરજ બજાવી નિવૃત્ત થયેલ 40 જેટલી આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા નિવૃત્ત થયા બાદ જે-તે સમયે પેન્શન માટે જોઈતા તમામ ડોક્યુમેન્ટ ફતેપુરા સી.ડી.પી.ઓ કચેરીમાં આપ્યા બાદ પેન્શન મંજૂર નહીં થતા બીજીવાર ડોક્યુમેન્ટની માંગણી કરતા તેની પણ પૂર્તતા કર્યા પછી અને ત્યારબાદ આજ દિન સુધી 10 થી 15 વર્ષ જેટલો સમય વિતવા છતાં પેન્શન મંજૂર નહીં થતા હાલ આંગણવાડીની નિવૃત વૃદ્ધ મહિલાઓ ફતેપુરા કચેરીના ધરમ ધક્કા ખાઈ પેન્શન માટે વલખા મારતી હોવાનું જાણવા મળે છે.જ્યારે કચેરીના જવાબદારોને પૂછતા તમારા ડોક્યુમેન્ટની પૂર્તતા કરો તેવા ઉડાઉ જવાબો આપી તેમજ નિવૃત્તિ બાદ પેન્શન મંજુર થયેલ નથી તેવા નિવૃત્ત બહેનોને યોગ્ય ન્યાય મળે તે બાબતે અમોએ ઉપલી કક્ષાએ જાણ કરેલી હોવાના જવાબો આપવામાં આવતા હોય નિવૃત્ત બહેનોને વર્ષો પછી પણ ન્યાય નહીં આપી અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.જોકે આગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવી નિવૃત્ થયેલ કેટલીક બહેનો હાલ વૃદ્ધ અને વિધવા છે.તેમજ કેટલીક બહેનો પોતાને મળવા પાત્ર પેન્શન મેળવતા પહેલા હાલ હયાત છે કે કેમ?તે પણ એક પ્રશ્ન છે.આમ જિંદગી પર્યંત સરકારી નોકરી કરી નિવૃત્ત થયા બાદ સરકાર દ્વારા મળવા જોઈતા પેન્શન માટે વૃદ્ધ મહિલા કર્મચારીઓને વહેલી તકે પેન્શન મળશે કે પેન્શનની આશામાં મોતને રોકી રાખવું?તે એક સવાલ છે.
અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,કેટલીક આંગણવાડી કેન્દ્રો વર્ષોથી આંગણવાડી સંચાલિકા બહેનો વિના તેડાગર બહેનોના ભરોસે ચલાવાઇ રહી છે.જ્યારે કેટલાક આંગણવાડી કેન્દ્રમાં તેડાગર બહેનો વિના સંચાલન કરવામાં આવી રહ્યું છે. કેટલાક આંગણવાડી કેન્દ્રોમાં ગરમ નાસ્તા તથા ફળફળાદીના બિલ મહિનાઓ સુધી ચૂકવવામાં આવતા નહીં હોવાની ફરિયાદો ઉઠે છે.ત્યારે આવી આંગણવાડી કેન્દ્રોમાં સરકારના નિયમો મુજબ પૌષ્ટિક આહાર,ગરમ નાસ્તો તથા ફળફળાદી બાળકો સુધી પહોંચે છે કે કેમ?તેમજ રજીસ્ટરમાં જણાવ્યા મુજબ બાળકોની સંખ્યા હશે કે કેમ?અને આવા આંગણવાડી કેન્દ્રોમાં સરકાર દ્વારા આપવામાં આવેલ નિયમોનુસાર સંચાલન થતું હશે કે કેમ?તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ આવશ્યક છે.
ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રના નિવૃત્ત બહેનોને 15 વર્ષ બાદ પણ પેન્શન માટે વલખા
By
Posted on