**
*સુખસરમાં રહેતા પંચાલ પરિવારના માં-બેટો મહેનત મજુરી જ્યારે બોરીદામાં રહેતો એકલવાયું જીવન ગુજારતો આદિવાસી યુવાન દારુણ ગરીબીમાં જીવન વિતાવી રહ્યા છે*
( પ્રતિનિધિ ) સુખસર,તા.25
રાજ્ય તથા કેન્દ્ર સરકાર મકાન વિહોણા લોકોને ઘરનું ઘર અપાવવા વર્ષોથી કાર્યરત હોવાની જાહેરાતો કરવામાં આવે છે.પરંતુ સરકારી આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદોને અપાઈ રહ્યો છે તેનાથી વધુ આ યોજનાનો લાભ તકવાદી તત્વો ઉઠાવી રહ્યા હોવાના અનેક દાખલા જોવા અને સાંભળવા મળે છે. અહીંયા માલદાર લોકો આવાસ યોજનાનો લાભ ઉઠાવે તેના કરતાં જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી આ લાભથી વંચિત રહી જાય છે.અને સ્થાનિક વહીવટી તંત્રો આંખ આડા કાન કરતા હોય ત્યારે દુઃખ થાય તેમાં કોઈ બે મત નથી.અને તેવી જ હકીકત સુખસર તથા મોટાબોરીદામાં પ્રત્યક્ષ જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પ્રજાપતિ વાસ ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ પંચાલ પોતાની માતા સાથે રહે છે .આ પરિવારમાં માત્ર માં-બેટો છે. ધર્મેન્દ્રભાઈ સુખસરમાં સવારના સમયે ઘેર ઘેર દૈનિક સમાચાર પત્ર પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે રાત્રિના સમયે સુખસર પોલીસ સ્ટેશન દ્વારા જી.આર.ડી.માં ફરજ બજાવી પોતે તથા માતાનુ ગુજરાન ચલાવી રહ્યા છે. તે સિવાય તેઓને કોઈ આવકનું સાધન નથી.જ્યારે તેઓનું એક કાચું ખંડીયેર માટીનું મકાન સુખસરમાં પ્રજાપતિ વાસમાં આવેલું છે. જે મકાનની માટી ખરી રહેલ છે. અને ભારે પવન અથવા વરસાદથી આ મકાન જમીન દોસ્ત થાય તો જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.જો કે દિવસના સમયે ધર્મેન્દ્રભાઈ ઘરે રહે છે.અને રાત્રીના સમયે જી.આર.ડી.ની ફરજ બજાવવા ચાલ્યા જતા વૃદ્ધ માતા આ મકાનમાં ઊંઘે છે.જ્યારે દિવસના મા-બેટો આ મકાનમાં રહે છે.જો રાત્રિના સમયે મકાન પડે તો વૃદ્ધ માતા અને દિવસના સમયે આ મકાન પડે તો માં-બેટા ઉપર જીવનો ખતરો હોવાનું સ્પષ્ટ પણે જોવાઈ રહ્યું છે.હાલ આ પરિવાર મકાન ઉપર નળિયા,પતરાં અને પ્લાસ્ટિકની ચાદર પાથરી મકાનમાં રહી રહ્યા છે.
જ્યારે મોટા બોરીદામાં રહેતા બળવંતભાઈ વીરજીભાઈ ભાભોર વર્ષોથી પિતાના બાંધકામ કરેલા જુના જર્જરીત મકાનમાં રહે છે.હાલ તેઓના માતા-પિતા હયાત નથી.ભાઈઓ અલગ રહે છે.અને તેઓની સ્થિતિ પણ સારી કહી ન શકાય તેવી છે.તેમજ બળવંતભાઈ અપરણિત હોય તેઓ એક પ્રકારે એકલવાયું જીવન ગુજારે છે.તેમજ થોડી ખેતીવાડી પણ છે પરંતુ તે ખેતીવાડી માંથી કેટલીક જમીન ગીરવા પેટે મૂકી દીધી છે.અને સામાન્ય જમીનમાં ખેતી કરે છે.તેમજ કેટલોક સમય બહારગામ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.અને ઘરે આવ્યા બાદ આ ખંડીયર મકાનમાં રહે છે.પોતાનુ ખંડીયેર મકાન હોય અને અડધા મકાન ઉપર નળીયા અને અડધું મકાન ખુલ્લું હોય જીવનું જોખમ જણાતા ક્યારેક રાત્રિના સમયે કુટુંબ કે અન્ય જગ્યાએ જઈ ઉંઘી રહે છે.અને જે જગ્યાએ જમવા મળે ત્યાં જમી લેવું નહીં તો ભૂખ્યા રહેવું નો નિયમ અંકે કરી લીધો હોય તેવી દારૂણ પરિસ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. જોકે બળવંતભાઈના કહેવા પ્રમાણે આજ દિન સુધી સરકારી આવાસ યોજનાનો લાભ તેમના સુધી પહોંચ્યો નહીં હોવાનું જણાવી રહ્યા છે.
અહીંયા ઉલ્લેખનીય છે કે,ચાલુ ચોમાસામાં અનેક કાચા મકાનો પડી જતાં કેટલાક માણસ અને પશુઓ તેમાં દવાઈ જતા મોતની ભેટ્યા છે. અને માણસની જાનહાની થઈ હોય તો સરકાર દ્વારા વ્યક્તિ દીઠ રૂપિયા 4 લાખની સહાય પણ આપી છે.ત્યારે કોઈ વ્યક્તિને જાનહાની થાય અને લાખો રૂપિયા આપવામાં આવે તેના કરતાં ગરીબ પરિવાર પોતાનું વ્યવસ્થિત મકાન બાંધકામ કરી તેમાં રહે તેના માટે આવાસ યોજનાની સહાય રૂપિયા 1.20 લાખની આપવા સ્થાનિક લાગતા-વળગતા વહીવટી તંત્રો ધ્યાન આપે તો કોઈની જાનહાની થાય નહીં અને ગરીબ પરિવાર પોતાના ઘરના ઘરમાં રહી શકે તે પ્રત્યે ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.અહીંયા એ પણ જણાવી દઈએ કે,ઉપર જણાવેલ ફતેપુરા તાલુકાના બે કિસ્સા એક નમૂના સ્વરૂપે છે.તાલુકામા આવા અનેક જર્જરિત મકાનોમાં પરિવારો જીવી રહ્યા છે.ત્યારે આલીશાન મકાનોમાં પંખા અને એસી ની હવા ખાતા લાગતા-વળગતા તંત્રના અધિકારીઓએ જર્જરિત મકાન માલિકોની પ્રત્યક્ષ જાત માહિતી મેળવી ન્યાય આપવા કુંભકર્ણની ઊંઘ છોડવી જોઈએ તે જરૂરી જણાય છે.