Sukhsar

ફતેપુરાના રૂપાખેડા ગામની પરિણીતાના હાથની મહેંદી ભુસાય તે પહેલા શંકાસ્પદ મોત, પિયરીયાઓ દ્વારા હત્યાનો આક્ષેપ

રૂપાખેડાની મૃતક મહિલાને રાત્રિના સમયે સાસરિયાઓ સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ ગયા મૃતદેહને દવાખાનામાં છોડી ફરાર થયા?

( પ્રતિનિધિ ) સુખસર,તા.1

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં દિન-પ્રતિદિન હત્યા અને કમોતના બનાવો વધતા જાય છે.જેમાં છેલ્લા સવા માસમાં પાંચ જેટલા બનાવો બની ચૂક્યા છે.જ્યારે ગતરોજ રાત્રીના વધુ એક 22 વર્ષીય નવ પરણીતાના હાથની મહેંદી નવોઢાની સાક્ષી રૂપે ગવાહી પૂરે છે ત્યારે તેવામાં શંકાસ્પદ મોતનો બનાવ રૂપાખેડા ગામે વાદી પરિવારમાં બનતા પિયરિયાઓમાં હાહાકાર સાથે રોક્કળ જ્યારે સાસરિયાંઓમાં ભાગદોડ મચી જવા પામી હોવાનું જાણવા મળે છે. મૃતક પરિણીતાની લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ આત્મહત્યા છે કે તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી છે તેની પી.એમ બાદ જાણ થઈ શકશે.

જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામના વાદી સુરેશભાઈ મંગળાભાઈના પુત્ર અક્ષયના લગ્ન ઝાલોદ તાલુકાના ગામડી ગામના દિનેશભાઈ અકુડા ભાઈ વાદીની પુત્રી પૂજાબેન, ઉંમર વર્ષ આશરે 22, સાથે ગત તારીખ 28/4/ 2025ના રોજ સમાજના રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન બાદ પંદરેક દિવસ બાદ અક્ષય તથા પૂજાબેન બહારગામ મજૂરી કામે ગયા હતા.જ્યાં પતિ-પત્નીને કોઈક બાબતે બોલાચાલી થતા પરત રૂપાખેડા ઘરે આવતા રહ્યા હતા.ત્યારબાદ બીજા દિવસે પૂજાને તેના માસી સાસુ તથા દિયર તેના પિયરમાં લઈને ગયા હતા અને ત્યાં જણાવ્યુ હતું કે અક્ષય દારૂ પીવે છે અને ઝઘડા તકરાર કરે છે. માટે પૂજાને તમારા ઘરે મૂકી જઈએ છીએ અને થોડા દિવસ બાદ બોલાવી જઈશું. તેમ જણાવી પૂજાને તેના પિતાના ઘરે મૂકી આવ્યા હતા. ત્યારબાદ પાંચેક દિવસ જતા રૂપાખેડાથી અક્ષય પંચો લઈને તેની સાસરીમાં ગયો હતો.જ્યાં રૂપાખેડા તથા ગામડીની પંચોએ મળી સમજાવી પૂજાને તારીખ 28/5/2025ના રોજ તેની સાસરી રૂપાખેડા મોકલી આપવામાં આવી હતી.
ત્યારબાદ તારીખ 31/5/2025 શનિવાર રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અક્ષયના કાકા અમરસિંગભાઈ વાદીએ પૂજાના પિતાને મોબાઈલથી જણાવ્યું હતું કે, પુજાએ ગળે ફાંસો ખાધો છેઅને સંતરામપુર દવાખાનામાં લઈ જઈએ છીએ. આ બાબત મૃતક પૂજાબેનના પિતા દિનેશભાઈ વાદીએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ સંતરામપુર પહોંચી ગઈ હતી.જ્યારે પૂજાબેનના પીયરીયા સંતરામપુર દવાખાનામાં ગયા ત્યારે જે લોકો પૂજાબેનને ખાનગી વાહનમાં સંતરામપુર સરકારી દવાખાનામાં લઈ ગયેલા હતા. તેઓ ફરાર થઈ ગયા હોવાનું પિયરિયાઓ દ્વારા જાણવા મળે છે.ત્યારબાદ સુખસર પોલીસે કાર્યવાહી ચાલુ કરી સંતરામપુર સરકારી દવાખાનામાંથી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.મૃતક પૂજાબેનની લાશના પી.એમ બાદ લાશનો કબજો તેમના પિયરીયાઓ લઈ જનાર હોવાનું પણ જાણવા મળે છે. હાલ સુખસર પોલીસે લાશને ફોરેન્સીક પી.એમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી મૃતક મહિલાના મોત સંદર્ભે આગળની તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હોવાનું જાણવા મળે છે.મૃતક પૂજાબેને કદાચ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોય તો કયા કારણોસર?અને તેની હત્યા કરવામાં આવી હોય તો આ હત્યામાં કોણ-કોણ સંડોવાયેલા છે?તેની સુખસર પોલીસ દ્વારા ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ પિયરીયાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

*સુખસર પોલીસ હદ વિસ્તારમાં છેલ્લા સવા મહિનામાં છ જેટલા કમોતના બનાવ બની ચૂક્યા છે*

સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 22 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધીના ટૂંકા ગાળામાં 6 જેટલા કમોતના બનાવો બન્યા છે.તેમાં 22 એપ્રિલના રોજ મકવાણાના વરુણા ખાતે પત્ની સાથે આડા સંબંધની શંકાએ ધીંગાણું થતા એક 40 વર્ષીય યુવકની કુટુંબના લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી.જ્યારે 15 મે 2025 ના રોજ મોટાબોરીદા ગામે એક વિધવા મહિલાના પ્રેમી દ્વારા મહિલાના દિયરની હત્યા થઈ હતી. જ્યારે 22 મે 20025 ના રોજ બચકરિયાપૂર્વ થી મારગાળા ગામે જાન પરત ફરતા સમયે ડી.જે વાળા ટેમ્પામાં બેઠેલા એક 14 તથા બીજો 17 વર્ષનો કિશોર ડી.જે પલટી મારતા બંનેના મોત નિપજ્યા હતા. જ્યારે હાલ આઠેક દિવસ અગાઉ મોટી ઢઢેલીમાં પતિ દ્વારા પત્નીની કથિત હત્યા કરવામાં આવી હોવાની ચર્ચા પંથકમાં ચાંચમાં વિષય બનેલ છે. જ્યારે 31 મે 2025 ના રોજ રૂપાખેડા ગામે નવ પરણીત મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો તેના પિયરિયાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આમ સુખસર પંથકમાં કમોતના બનાવો વેગ પકડી રહ્યા છે.ત્યારે કાયદાકીય જોગવાઈઓથી અસામાજિક તત્વો નિર્ભય બની ગુન્હાખોરીને અંજામ આપી રહ્યા છે.

Most Popular

To Top