રહેણાંક મકાનમાંથી દુર્લભ સાપનું રેસ્ક્યુ; વનવિભાગને સોંપાયો
(પ્રતિનિધિ) વડોદરા, તા.17
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લાના એક રહેણાંક મકાનમાંથી દુર્લભ પ્રજાતિનો સાપ દેખાતા સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. બનાવની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સાપને સલામત રીતે રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

વડોદરામાં મગરો ઉપરાંત હવે વિવિધ સરીસૃપ જીવો પણ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં શહેરમાં જવલ્લેજ જોવા મળતી પ્રજાતિનો સાપ મકાનમાં આવી જતા તેને જોવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા. ફતેપુરા મારવાડી મહોલ્લામાં આવેલા એક મકાનમાં સામાન્ય કરતા અલગ પ્રકારનો સાપ દેખાતા સ્થાનિકોએ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી.
માહિતી મળતા વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વોલન્ટિયરો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ સાપ આશરે 1.5 ફૂટ લંબાઈનો ભારતીય વુલ્ફ સ્નેક હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ સાપને કોઈ નુકસાન ન થાય તે રીતે રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. આ રેસ્ક્યુ કામગીરીને પગલે સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
કેવો હોય છે ભારતીય વુલ્ફ સ્નેક (Indian Wolf Snake)

વિજ્ઞાનિક નામ: Lycodon aulicus
સામાન્ય નામ: Indian Wolf Snake / ભારતીય વુલ્ફ સ્નેક
ઝેરી છે કે નહીં?
➡️ નહી. ભારતીય વુલ્ફ સ્નેક બિનઝેરી (Non-venomous) સાપ છે અને માનવ માટે સામાન્ય રીતે હાનિકારક નથી.
ઓળખ કેવી રીતે કરવી?
શરીર પર ભૂરા અથવા કાળા રંગ સાથે સફેદ પટ્ટીઓ
માથું થોડું ચપટું અને આંખો મોટી
દેખાવમાં કરેટ (Krait) જેવો લાગતો હોવાથી ઘણી વખત લોકો ભુલ કરે છે
લંબાઈ:
➡️ સામાન્ય રીતે 1 થી 2 ફૂટ (ક્યારેક વધુ પણ થઈ શકે)
વાસસ્થાન:
રહેણાંક વિસ્તારો
જૂના મકાનો
ગોદામ, બેસમેન્ટ, દિવાલોની ફાટોમાં
ઉંદર અને છિપકલી વધુ હોય ત્યાં જોવા મળે
આહાર:
છિપકલી
ઉંદર
નાનાં સરીસૃપ
સ્વભાવ:
➡️ શાંત સ્વભાવનો, પરંતુ જોખમ લાગતા પોતાનો બચાવ કરવા ડંખ મારી શકે (ડંખ ઝેરી નથી)
લોકો માટે સલાહ:
આવા સાપ દેખાય તો પેનિક ન કરવુ
સાપને મારવાનો પ્રયાસ ન કરવો
તાત્કાલિક એનિમલ રેસ્ક્યુ અથવા વનવિભાગને જાણ કરવી