વેપારી પાસેથી પાંચ લાખના 30 ટકા વ્યાજ લેખે રુ 32 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર વ્યાજ અને મુદ્દલની માંગણી કરતો હતો
વ્યાજખોરની હેરાનગતિથી કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
વડોદરા તારીખ 30
વેપારી પાસેથી પાંચ લાખ સામે 32 લાખ વસૂલના વ્યાજખોરની ફતેગંજ પોલીસે ધરપકડ કરી કસ્ટડીમાં રાખ્યો હતો. દરમિયાન સોમવારે રાત્રે તેને કસ્ટડીમાં ગભરામણ થતા ઢળી પડયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને પરોઢિયે 4:30 વાગે જામીન પર મુક્ત કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા લાઇસન્સ વગર ધીરધારનો ધંધો કરતા વ્યાજખોર અમજદ ઉર્ફે નનુ શરીફખાન પઠાણે હોટલ ચલાવતા વેપારીને પાંચ લાખ દસ ટકા વ્યાજે આપ્યા હતા. જેની સામે વ્યાજખોરે વેપારી પાસેથી ૩૦ ટકા લેખે 32લાખ રૂપિયાની વસુલાત કરી હતી. તેમ છતાં હજુ વેપારી પાસે વ્યાજ અને મુદ્દલની માંગણી કરી વારંવાર હોટલ પર જઈ પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ આપતો હતો. જેના કારણે વેપારીએ વ્યાજખોરથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર સારવાર મળી જતા વેપારી બચી ગયા હતા. જેથી વેપારીની પત્નીની ફરિયાદના આધારે માનસિક રીતે હેરાન કરનાર વ્યાજખોર અમજદ ઉર્ફે નાનું શરીફાન પઠાણની ધરપકડ કરી ફતેગંજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખ્યો હતો. દરમિયાન રાત્રિના 11 વાગ્યા બાદ વ્યાજખોરને ગભરામણ થતા ઢળી પડતા તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હાલ વ્યાજખોર આરોપી ત્યાં સારવાર હેઠળ દાખલ છે. જોકે ફતેગજ પોલીસે આજે પરોઢિયે 4:30 વાગ્યાની આસપાસ તેને જામીન પર મુક્ત કર્યો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.