શહેરના બ્રીજોની સુરક્ષા પર પ્રશ્નાર્થ, તાજેતરમાં શાસ્ત્રી બ્રિજના પણ પોપડા પડ્યા હોત

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નરહરિ હોસ્પિટલ પાસે આવેલા બ્રિજ પરના ફૂટપાથ પર મોટું ગાબડું પડતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે. ફૂટપાથનો એક ભાગ તૂટી જતા અહીથી પસાર થનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ પણ વધુ હોય, તેવા સંજોગોમાં બ્રિજની હાલત અંગે લોકોમાં નારાજગી છે. શહેરમાં તાજેતરમાં જ શાસ્ત્રી બ્રીજના પોપડા પડવાની ઘટના બની હતી, જે બાદ હવે આ ગાબડું પડતા, શહેરના બ્રીજોની જાળવણી અંગે ફરી સવાલો ઉઠી રહ્યાં છે.

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં તમામ બ્રીજોની ચકાસણીનો દાવો કરવામાં આવ્યો હતો. તે સમયે આ બ્રિજની સ્થિતિ શું હતી? અને જો ચકાસણી થઈ હોય, તો તાજેતરમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેના માટે જવાબદાર કોણ? નાગરિકો અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે. સાથે જ, આ સ્થિતિ કેમ ઉદ્ભવી તે અંગે પણ સ્પષ્ટતા થવી જોઈએ. વહીવટીતંત્ર દ્વારા જો સમયસર સમારકામ કરવામાં ન આવે, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. શહેરના અન્ય બ્રીજોની પણ યોગ્ય તપાસ થવી જોઈએ જેથી આવા ગાબડાં અને ક્ષતિગ્રસ્ત ફૂટપાથ નાગરિકોની સુરક્ષાને નુકસાન ન પોહચાડે.
