દારૂ પીવાની ના પાડતાં બેટ અને લોખંડના પાઇપથી હુમલો, પોલીસે કાન પકડી ઉઠક-બેઠક કરાવી પાઠ ભણાવ્યો
(પ્રતિનિધિ), વડોદરા તા.21
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં જીમખાના રોડ પર દારૂ પીવાની ના પાડતાં ગેરેજ સંચાલકો પર ત્રણ શખ્સોએ બેટ અને લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં બંને ગેરેજ સંચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ફતેગંજના જીમખાના રોડ વિસ્તારમાં બે યુવકો ટુ-વ્હીલર રિપેરિંગનું ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા કેટલાંક સમયથી અજય માળી સહિતના કેટલાક યુવકો ગેરેજ પાસે બેસીને દારૂ પીતાં હતા. આ દરમિયાન ગેરેજમાંથી ચોરીના બનાવો પણ બનતા હોવાને કારણે ગેરેજ સંચાલકોએ તેમને ત્યાં બેસીને દારૂ પીવાની ના પાડી હતી.
આ બાબતે અકળાયેલા અજય માળી સહિતના ત્રણેય શખ્સોએ ગેરેજ સંચાલકો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારબાદ તેઓ બેટ અને લોખંડના પાઇપ લઈને ધસી આવ્યા અને સંચાલકો પર હુમલો કરી માથા સહિતના ભાગોમાં ફટકા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલામાં સંચાલકો લોહીલુહાણ થઈ જતા તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને વિસ્તારમાં દાદાગીરી કરીને ખોફ ફેલાવવાનો પ્રયાસ કરનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.