
વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ વચ્ચે શહેરના હાર્ટ સમાન ફતેગંજ વિસ્તારમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ફતેગંજ મેઈન રોડ પર છેલ્લા લાંબા સમયથી ડ્રેનેજ લાઈનો ઉભરાઈ રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ સમસ્યા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના નિવાસસ્થાનથી માત્ર 200 મીટરના અંતરે હોવા છતાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે.

ફતેગંજ મેઈન રોડ વ્યાપારી દૃષ્ટિએ અત્યંત વ્યસ્ત વિસ્તાર છે. રસ્તા પર ફરી વળતું ગટરના ગંદા પાણી દુકાનોની બિલકુલ સામે જ ભરાઈ રહેતા વેપાર પર માઠી અસર પડી રહી છે. ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે ગ્રાહકો અહીં આવવાનું ટાળી રહ્યા છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા માત્ર તાત્કાલિક ‘પેચવર્ક’ જેવી કામગીરી કરવામાં આવે છે, જે કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થાય છે.
રસ્તા પર ફેલાયેલા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, “અમે નિયમિત રીતે ટેક્સ ચૂકવીએ છીએ છતાં અમારે નર્ક જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર થવું પડે છે. તંત્ર માત્ર કાગળ પર કામગીરી દર્શાવે છે, જ્યારે વાસ્તવિકતા અત્યંત ગંભીર છે.”
હવે સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને ડ્રેનેજ લાઈનનું તાત્કાલિક તથા કાયમી નિરાકરણ લાવે, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
: નગરજનોની મુખ્ય સમસ્યાઓ
વીઆઈપી વિસ્તારની અવદશા: કમિશનરના નિવાસ નજીક હોવા છતાં સમસ્યા વણઉકેલેલી
દેખાવ પૂરતી કામગીરી: પાલિકાની ટીમ સફાઈ કરે છે, પરંતુ બીજા જ દિવસે ગટર ફરી ઉભરાય છે
અકસ્માતનો ભય: ગંદા પાણીથી રસ્તો લપસણ બનતા ટૂ-વ્હીલર ચાલકો સ્લિપ થવાના કિસ્સા