Vadodara

ફક્ત ૮ મહિનાની બાળકીની અન્નનળીમાંથી લાંબા સમયથી ફસાયેલી સેફ્ટી પિનની એસએસજીમાં સફળ સર્જરી કરાઈ

કેટલા સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ તેની ઘરમાં કોઇને જાણ થઇ ન હતી

ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામની રહેવાસી દિવ્યાંકા (નામ બદલ્યું છે)નામની ફક્ત આઠ મહિનાની બાળકી જેનું વજન માત્ર 5.65 કિલોગ્રામ છે તે ને ત્રણ દિવસથી મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સાથે એસએસજી હોસ્પિટલનાં બાળકોનાં વિભાગમાં તારીખ 19 ફેબ્રુઆરી,2025ના રોજ ના સવારે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી બાળકીનાં શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું એટલે કે ફક્ત 5 % હતું, તદુપરાંત તે સિકલ સેલ એનીમિયાથી પીડિત પણ જાણવા મળ્યું હતું.બાળકોનાં વિભાગમાં ડૉ પરેશ ઠકકરે બાળકીની તપાસ કરી અને એક્સ રે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હોવાનું જણાયું હતું, જે કેટલા સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ હશે તેની જાણ માતા પિતાને પણ નહોતી.
આ અંગેનું નિદાન થતાની સાથે તુરંત બાળકીને લોહી ચઢાવીને સર્જરી માટે લઇ જવાઇ હતી જ્યાં એસએસજી હોસ્પિટલનાં કાન, નાક અને ગળા વિભાગનાં વડા ડૉ. રંજન ઐયરનાં માર્ગદર્શન હેઠળ ઈએનટી સર્જન ડૉ. જયમન રાવલ અને ટીમ તથા એનેસ્થેટીસ્ટ ડૉ. યોગિતા અને તેમની ટીમ સાથે ઇસોફેગોસ્કોપી નામની સર્જરી વડે બાળકીની અન્નનળીમાં ફસાયેલી ખુલ્લી સેફ્ટી પિન જે લાંબા સમયથી અંદર રહેલી હોવાના કારણે કટાઈ ગઈ હતી તેને દૂરબીનની મદદથી જટિલ સર્જરી દ્વારા વધારે રક્તસ્ત્રાવ વાળી પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હતી. હાલમાં દર્દીને રક્તસ્ત્રાવ, દુખાવો કે ગભરામણ જેવા કોઈ લક્ષણો નથી અને બાળકોનાં વિભાગમાં ડૉ. પરેશ ઠક્કરની સારવાર હેઠળ છે.

તમામ નાની ઉંમરના બાળકોનાં માતા પિતા માટે આ એક ચેતવણી આપતો કિસ્સો છે. બાળકો રમત રમતમાં આજુબાજુ રહેલી કોઈપણ નાની વસ્તુને લઈને પોતાના મોંમાં નાખી ના દે તેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો આ પ્રકારની તકલીફનું નિદાન અને સારવાર ઝડપથી કરવામાં ન આવે તો બાળકને ગંભીર નુકશાન પહોંચી શકે છે.

Most Popular

To Top