પ્રદેશ પ્રમુખને બાઇક પર જોઈ કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો: ભાજપના નવા પ્રમુખની ‘ડાઉન ટુ અર્થ’ છબિએ સૌનું દિલ જીત્યું


વડોદરા ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યભરમાં તેમના અભિવાદન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે વડોદરા ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં એક અનોખો દ્રશ્ય સર્જાયો હતો.
કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ પ્રદેશ પ્રમુખે પોતાનો પ્રોટોકોલ છોડી પોલીસકર્મીની બાઇક પર સવાર થઈ બાઇક રેલીમાં જોડાતા સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા.
વડોદરાના કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ખાતે શહેર-જિલ્લાના કાર્યકરો દ્વારા જગદીશ વિશ્વકર્માના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને એક જ ફ્લાઇટમાં વડોદરા એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.
અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ, ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા. સાંજે પોણા છ વાગ્યાની આસપાસ તેઓની ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર પહોંચી હતી. ત્યારબાદ, સવા છ વાગ્યાની આસપાસ પ્રોટોકોલ મુજબ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ કારમાં એરપોર્ટથી બહાર નીકળ્યા હતા.
જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમની કાર આગળ વધી રહી હતી ત્યારે બાઇક રેલીમાં જોડાયેલા યુવા કાર્યકરોનો જોરદાર ઉત્સાહ જોઈ જગદીશ વિશ્વકર્મા ભાવુક થઈ ગયા હતા. તેમણે એરપોર્ટ સર્કલ પાસે પોતાની કાર રોકાવી અને બહાર નીકળ્યા. આ સમયે તેમણે બંદોબસ્તમાં હાજર એક પોલીસકર્મીની બાઇક પર બેસી જઈ યુવા કાર્યકર્તાઓની બાઇક રેલીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
પ્રદેશ પ્રમુખને અચાનક બાઇક પર સવાર થયેલા જોઈને રેલીમાં હાજર કાર્યકરોનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો અને કાર્યક્રમમાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો હતો. જગદીશ વિશ્વકર્માના આ સાહજિક અને કાર્યકર્તાઓ સાથે ભળી જવાની શૈલીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તેમના અભિવાદન કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.