કાલોલ : પ્રેમલગ્નમા સાક્ષી તરીકે સહી કરનાર યુવકનું પીગળી ગામેથી અપહરણ કરી, ગડદા પાટુ નો માર મારી, ઝાડ સાથે બાંધી દઈ ધમકીઓ આપનાર 5 સામે ફરીયાદ નોંધાઈ છે.
હાલોલના કાશીપુરા ગામે રહેતા સતીષભાઈ ચંદુભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદની વિગત જોતા તેઓના કુટુંબી વિનોદભાઈ રયજીભાઈ પરમારે ત્રિકમપુરા તા.હાલોલની 19 વર્ષીય યુવતી હેતલ રાકેશ પરમાર સાથે તા ૧૫/૦૯/૨૫ ના રોજ લવ મેરેજ કર્યા હતા. ફરીયાદી સતીષભાઈ ચંદુભાઈ પરમારે તેમા સાક્ષી તરીકે સહી કરી હતી. વિનોદભાઈ પરમારે તા ૧૩/૧૧ ના રોજ હેતલબેન સાથે ક્યાંક જવાનું હોય ફરિયાદી પોતાની મોટરસાયકલ પર હાલોલ સુધી મુકવા આવ્યા હતા. ત્યારબાદ છોકરી પક્ષના માણસોને તેમણે સહી કરી તથા હાલોલ સુધી મુકવા આવ્યા હોવાની જાણ થઈ હતી. છોકરી પક્ષના લોકો ઘરે તપાસમાં આવતા હોય વિનોદભાઈની માતાના પિયર કાલોલ તાલુકાના પીંગળી ગામે ફરિયાદી તથા વિનોદભાઈના કુટુંબીઓ આવી ગયા હતા. જ્યાંથી ફરિયાદી પોતાની મોટરસાયકલ લઈને દુકાનથી ઘરે જતા હતા. ત્યારે બે મોટરસાયકલ પર ત્રિકમપુરા ગામના (૧) નીલેશભાઈ રણછોડભાઈ પરમાર (૨) જીગરભાઇ હસમુખભાઇ પરમાર (૩) સુનિલભાઈ રાવજીભાઈ પરમાર (૪) ઇન્દ્રજિત ઉર્ફે મોન્ટુ અરવિંદભાઈ પરમાર (૫) અનિલભાઈ દશરથભાઈ પરમાર આવ્યા હતા અને ફરિયાદીને ગાળો બોલી પકડી પાડી ગડદા પાટુ નો માર મારી,”તુ અમારી છોકરીને પરત નહી અપાવુ તો તને મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. મોટરસાયકલ ઉપર અપહરણ કરી ખોડિયારપુરા લઈ ગયા હતા અને ત્યા ઉતારી ઘોલઘાપટ કરી ત્યાંથી મલાવ ચોકડી પાસે નદી બાજુ લઈ ગયા હતા. ત્યા પણ પાંચે જણાએ ગડદાપાટુનો માર મારી,”તુ સાચુ બોલ, આ ભાગી ગયેલા છોકરો અને છોકરીની તને જાણ છે, તે કયા છે તે બતાવ ” તેમ કહી ત્યાંથી ત્રિકમપુરા ગામે છોકરીના ઘરે લઈ ગયા હતા. ત્યાં લીમડાના ઝાડ સાથે દોરડા વડે બાંધી દીધા હતા. આ બાબતે ફરિયાદીના કાકી કિરણબેનને 112ને ફોન કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારે પાંચે જણા ફરિયાદીને છોડી દઈને ત્યાંથી ભાગી ગયા હતા સમગ્ર ઘટના બાબતે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ ૧૩૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૧), ૧૨૭(૨),૧૨૬(૨),૫૪ મુજબની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.