વરસાદ પહેલાં જાહેર માર્ગ પર શ્રમજીવી ગટરમા ઉતરતા વાયરલ વિડીયોએ પાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ખુલ્લી પાડી, જીવના જોખમે ગટર સફાઈ કરાવતા શ્રમજીવી
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં મેઘમહેર પહેલાં શહેરમાં ચાલતી પ્રીમોન્સૂન કામગીરી અંતર્ગત એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર આવેલી વરસાદી ગટરમાં એક શ્રમજીવી યોગ્ય સુરક્ષા સાધનો વિના ઊતરતો નજરે પડ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષાની ગાઈડલાઈનોનું પાલન થઈ રહ્યું નથી. વિડીયોમાં શ્રમજીવી પાસે હેલ્મેટ, ગ્લોવ્સ, રેઈનસૂટ કે ફેસ માસ્ક જેવા કોઈપણ પીઈપી કીટસ નહોતા. બીજી બાજુ, પાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે શહેરને ગત ચોમાસામાં ત્રણ વખત પૂરનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે આ વખતે એડવાન્સમાં પ્રીમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ આવા જીવનજોખમના દ્રશ્યો એ કામગીરીની ગુણવત્તા અને જવાબદારી પર સવાલ ઊભા કરે છે.
વિશ્વામિત્રી નદીની ઊંડાઈ અને સફાઈ સહિત શહેરના રોડ પર વરસાદી ગટરોની સફાઈમાં કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમજીવીઓને સુરક્ષા સાધનો વિના કામ પર મુકવામાં આવી રહ્યાં છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવીને પાલિકા અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નિર્ધારિત કરવાની માગ ઊઠાવી છે. તેમનો આરોપ છે કે, હવે તો સાબિત થઈ ગયું છે કે પાલિકા માત્ર દેખાડાની કામગીરી દર્શાવે છે, પરંતુ સ્થળ પર પૂરતી તકેદારી અપનાવતી નથી. આવામાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લે?