Vadodara

પ્રિપેઇડ સ્માર્ટ મીટરનો પ્રયોગ નિષ્ફળ, હવે MGVCL પોસ્ટપેઇડ મોડ પર નિર્ભર

યોગ્ય આયોજન વિના અમલ કરાયેલી પ્રિપેઇડ યોજના MGVCL ને બંધ કરવી પડી

MGVCLના સ્માર્ટ મીટરના દાવાઓ પોકળ સાબિત થતા બધી જવાબદારી ફરી કર્મચારીઓ પર

વડોદરા શહેરમાં વીજ વિતરણ માટે MGVCL દ્વારા મોટા ઉપાડે શરૂ કરાયેલો સ્માર્ટ મીટર પ્રોજેક્ટ હવે પ્રશ્નચિહ્નો હેઠળ આવી ગયો છે. શહેરમાં હાલ 70,000થી વધુ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવાયા છે, પરંતુ તેના દાવાઓ હકીકતમાં પોકળ સાબિત થયા છે. સ્માર્ટ મીટર કે જેના માધ્યમથી ગ્રાહક પોતાનું વપરાશ અને બિલ ઘરે બેઠા જોઈ શકે એ ઉદ્દેશ તો દૂર રહ્યો, હાલ તો વીજ વિભાગના કર્મચારીઓ ઘરોઘર જઈને બિલ પહોંચાડી રહ્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆતમાં પ્રીપેડ મોડેલ અપનાવાયું હતું. ગ્રાહકોને રિચાર્જ આધારિત વીજ વપરાશ માટે તૈયાર કરાયેલ એપ પણ પ્રીપેડ મોડેલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હતી. પરંતુ જે તે સમયે પ્રીપેડ પદ્ધતિ પર ઘણા ગ્રાહકોની ફરિયાદો મળી હતી જેમાં ખાસ કરીને રિચાર્જ સંબંધિત ગેરસમજ અને ટેક્નિકલ ખામીઓ અંગે ફરિયાદો મળી હતી. પરિણામે, MGVCL ને પ્રોજેક્ટને પોસ્ટપેડ મોડેલમાં રૂપાંતરિત કરવો પડ્યો છે.

હવે, જયારે સ્માર્ટ મીટર પોસ્ટપેડ મોડલ પર કામ કરી રહ્યા છે, ત્યારે જૂની પ્રીપેડ આધારિત એપ વર્તમાન પદ્ધતિ માટે ઉપયોગી રહી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એપ લાંબા સમયથી અપડેટ થઈ નથી જેના કારણે ગ્રાહકો પોતાનું બિલ જોઈ શકતા નથી જોકે દિવસ દરમિયાનના વપરાશ જોઈ શકાય છે. આ કારણે વિભાગને ફરી જૂની રીત અપનાવવી પડી છે અને કર્મચારીઓ દ્વારા બિલ ઘરો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યારે MGVCL દ્વારા તેનું પ્રચારપ્રસાર પણ ખુબ કરાયો હતો, જેમાં ગ્રાહકોને સુવિધા, પારદર્શકતા અને ટેકનોલોજીની મદદથી ખાતરી આપી હતી. પરંતુ હાલના હકીકતો ઉપર નજર કરીએ તો આ દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા છે. વિદ્યૂત વિભાગે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે સરળતા લાવવાનો પ્રયાસ કર્યો હતો તે પ્રશંસનીય છે, પરંતુ યોગ્ય આયોજન વગર અને ટેક્નિકલ સપોર્ટ ન હોય તો પ્રોજેક્ટ સફળ થાય તે શક્ય નથી.

વેબ પોર્ટલ પર મોબાઇલ નંબર બદલવાનો વિકલ્પ આપ્યો છે

એપ કામ કરી રહી છે. અમે પોસ્ટ પેઇડ મોડ પર કામ કરી રહ્યા હોવાથી, નિયમિત પ્રથા મુજબ બિલ આપી રહ્યા છીએ અને જો પ્રીપેડ મોડમાં હોય, તો પણ અમારે માસિક અથવા દ્વિમાસિક સ્ટેટમેન્ટ વક્તિગત આપવું પડશે. ભૂતકાળમાં ખોટા અથવા ઊંચા બિલોના કિસ્સાઓ પણ દૂર કરવામાં આવ્યા છે. સામાન્ય મીટરમાં પણ રીડિંગ ભૂલોને કારણે આવું થતું હોય છે અને બિલમાં ડેબિટ/ક્રેડિટ એડજસ્ટમેન્ટ દ્વારા તે દૂર કરવામાં આવે છે. અમે 1000 થી વધુ કનેક્શનમાં ચેક મીટર પણ ઇન્સ્ટોલ કર્યા છે અને અત્યાર સુધી સ્માર્ટ મીટર અને ચેક મીટર રીડિંગ સાથે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. અમે અમારા વેબ પોર્ટલ પર સ્માર્ટ મીટર એપમાં લોગિન કરવા માટે ફોન નંબર બદલવાનો વિકલ્પ પણ પૂરો પાડ્યો છે. – તેજસ પરમાર, MD, MGVCL

Most Popular

To Top