Vadodara

પ્રાથમિક શિક્ષકોને તાલીમબદ્ધ કરવા તાલીમ શિબિરનો પ્રારંભ

જીસીઈઆરટી દ્વારા ધોરણ ત્રણ થી આઠની વિષયવાર શિક્ષક આવૃત્તિ તૈયાર કરાઈ

વર્ગખંડ પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવા પ્રા.શિક્ષણ નિયામકની સૂચના

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ પુસ્તકો મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેને લઇને શિક્ષકોને આગામી 29 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અને ઓફલાઈન તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમનું આયોજન તાલુકા મથકે કરવામાં આવ્યું છે.નવીન પ્રવાહોથી માહિતગાર બની વર્ગખંડ પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવું જોઈએ તેવું પ્રા.શિક્ષણ નિયામક દ્વારા સૂચન કર્યું હતું.

નવી શિક્ષણ નીતિ તથા નેશનલ કરીક્યુલમ ફ્રેમ વર્ક આધારિત અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા તેમજ મૂલ્યાંકનમાં શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેની અસર વર્ગખંડ સુધી પહોંચે તે માટે જીસીઈઆરટી દ્વારા ધોરણ ત્રણ થી આઠની વિષયવાર શિક્ષક આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. પાઠ્યપુસ્તકોના શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓમાં સૂચિત 21મી સદીના કૌશલ્યો અને ક્ષમતાઓ વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ કરી શકે એ માટે આ શિક્ષક આવૃતિઓ તૈયાર કરવામાં આવી છે. શાળાના આચાર્ય બદ્રીશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક આવૃતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે શિક્ષકોને રૂબરૂ માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે શિક્ષક આવૃત્તિ આધારિત આ તાલીમનું આયોજન 18 ઓગસ્ટથી આગામી 29 મી સપ્ટેમ્બર દરમિયાન જીસીઈઆરટી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ નિયામક જીસીઈઆરટીના નિયમો દ્વારા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. શિક્ષકોએ હંમેશા શીખતું રહેવું જોઈએ અને નવીન પ્રવાહોથી માહિતગાર બની વર્ગખંડ પ્રક્રિયામાં બદલાવ લાવવા કટિબદ્ધ બનવું જોઈએ તેવું સૂચન કર્યું હતું. નવી શિક્ષણનીતિ અને નેશનલ કરિક્યુલમને ધ્યાનમાં રાખીને બનાવેલી શિક્ષક આવૃત્તિનો શિક્ષકો મહત્તમ ઉપયોગ કરે અને શિક્ષક આવૃત્તિને આધારે વર્ગખંડ પ્રક્રિયાને ગુણવત્તાલક્ષી બનાવે તેવો આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ સમજાવ્યો હતો.

Most Popular

To Top