Charotar

પ્રાચીન ભારતમાં કોઇ અશિક્ષિત નહતું એટલે વિશ્વ ગુરૂ હતું

શિક્ષણમાં નવા નવા કોર્ષ આવે છે, સાયન્સ ટેકનોલોજી આવી રહ્યા છે, પરંતુ જીવનમાં કરૂણા, દયા અને માનવતા ઘટી રહી છેઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભમાં પ્રાચિન અને આધુનિક ભારત વચ્ચેનો તફાવત રાજ્યપાલે વર્ણવ્યો

(પ્રતિનિધિ) આણંદ તા.6

‘વિશ્વ વિદ્યાલય માટે દિક્ષાંત સમારંભ મહત્વનો છે. અહીં માતા – પિતા જેણે પોતાના સંતાનોને શિક્ષિત કરવા મોકલ્યાં હતાં. જે ગુરૂજનની મહેનત થકી ડિગ્રી પ્રાપ્ત થઇ અને શિક્ષણ લેનારા વિદ્યાર્થી હાજર છે. પ્રાચિન ભારતમાં આ દિવસે ચિંતન થતું હતું. માતા – પિતા – ગુરૂજન પોતાના ડિગ્રીધારી વિદ્યાર્થી પાસે શું અપેક્ષા રાખે છે ? તે અંગે ચર્ચા થતી હતી. માત્ર ડિગ્રી પ્રાપ્ત કરી રોજગારી મેળવવીએ નથી. આહાર, નિંદ્રા પશુ – પક્ષી પણ કરે છે. પરંતુ ધર્મ, વિચારધારા, ચિંતનથી માણસ અલગ પડે છે.’ તેમ સરદાર પટેલ યુનિવર્સિટીના 67મા પદવીદાન સમારંભમાં આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીને શિખ આપતા જણાવ્યું હતું.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના 67મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ દેવવ્રતે પ્રાચિન અને આધુનિક ભારત શિક્ષણ પર જણાવ્યું હતું કે, અગાઉ બાળકોને શિક્ષિત કરવાની પરંપરા હતી. એક સમયે છ વર્ષિય બાળકને ગુરૂકુળ ફરજીયાત મોકલવામાં આવતાં હતાં. આજે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ચલાવવા પડે છે. પ્રાચિન ભારતમાં કોઇ અશિક્ષિત રહેતું નહતું. એટલે વિશ્વગુરૂ હતું. મનુએ હિમાલયની ચોટી પરથી ઘોષણા કરી હતી કે માનવજાતિ આદ્યાત્મીક, ભૌતિકની શિક્ષા માટે ભારત આવો. ભૌતિક શિક્ષામાં રોટી, કપડા અને મકાન મળે તેવું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં માનવ જીવન, મૂલ્ય, માણસ બનવાની શિક્ષા પ્રથમ સ્થાને હતી. આજે નવા નવા કોર્ષ આવે છે. સાયન્સ ટેકનોલોજી આવી રહ્યા છે. પરંતુ જીવનમાં કરૂણા, દયા, માનવતા વાદી જોવા મળતાં નથી. જુઠ, દુરાચાર, ભ્રષ્ટાચાર, નૈતિકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. પાઠ્યપુસ્તકમાં જીવન માટે કોઇ લાઇન નથી. માત્ર રોજી રોટીની ફૌજ તૈયાર કરી રહ્યા છીએ.

રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળોની સંખ્યા વધી રહી છે. પરંતુ સત્યતા, ઇમાનદારી, પ્રેમ વધવા જોઈએ તે વધ્યાં નથી. લોકો ડબલ જીવનશૈલી અપનાવી રહ્યાં છે. પ્રાયવેટ લાઇફમાં ગમે તે કરવાની છૂટ અને પબ્લીક લાઇફમાં વ્યવસ્થિત રહેવું. પરંતુ જેમની પ્રાયવેટ લાઇફ જ ગંદકી હોય, તેની પબ્લીક લાઇફ સારી હોતી નથી.  રાજ્યપાલે ફિલ્મો પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, બાળકોને અચ્છાઇ તરફ પ્રેરિત કરતો. મનુષ્ય નકારાત્મક વિચાર તરફ જલ્દી પ્રેરાય છે. કિશોરઅવસ્થામાં નકારાત્મક વિચાર જલ્દી આવે છે. હોર્મોન્સ બદલાતા બુદ્ધિથી ઓછું અને દિલથી વધુ વિચારે છે. ફિલ્મની વાર્તા સત્ય માની જીંદગી બગાડી રહ્યા છે. ફિલ્મમાં બનાવટી જીંદગી છે. બાળક હંમેશા માતા – પિતા, ગુરૂ પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. બાળકોને ધમકાવાથી ભાવના દબાવવી ન જોઇએ. મિત્રતા જેવું વર્તન કરો. એકાંતમાં સમસ્યા જાણો. સમાધાન નિકળશે.

આ કાર્યક્રમના પ્રારંભમાં સૌને આવકારતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે યુનિવર્સિટીની સિધ્ધિઓની રૂપરેખા આપી હતી.  આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કુલ સચિવ ડો.ભાઈલાલભાઈ પટેલ, પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈ, ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીન, વિવિધ કોલેજના આચાર્યો, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top