ડૉ. સી.કે. ટિંબડિયાના અધ્યક્ષપદે પ્રથમ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
હાલોલ:
ભારતભરમાં પ્રાકૃતિક કૃષિને શિક્ષણપ્રણાલીમાં મજબૂત રીતે સ્થાન આપવા માટે Indian Council of Agricultural Research (ICAR) દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ICAR દ્વારા પ્રાકૃતિક (નેચરલ) કૃષિ ક્ષેત્રે PG અને PhD સ્તરના અભ્યાસક્રમો તૈયાર કરવા માટે દેશભરના સાત વૈજ્ઞાનિકોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે હાલોલ એગ્રો યુનિ.ના કુલપતિ. ડૉ. સી.કે. ટિંબડિયાની નિમણૂક કરવામાં આવી છે.
સમિતિની પ્રથમ બેઠક ડૉ. સી.કે. ટિંબડિયાના અધ્યક્ષપણા હેઠળ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ હતી. બેઠક દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર પ્રાકૃતિક કૃષિને બાલવાટિકાથી માંડીને PhD સુધીના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ICAR દ્વારા લેવામાં આવેલા આ પગલાંને કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલ તરીકે બિરદાવવામાં આવી છે.
બેઠકમાં આવનારા સમયમાં સફળ ખેડૂતો તથા પ્રાકૃતિક કૃષિના નિષ્ણાતોને પણ અભ્યાસક્રમ ઘડવાની પ્રક્રિયામાં જોડવાની વાત કરવામાં આવી હતી, જેથી અભ્યાસક્રમ વધુ વ્યવહારુ, વૈજ્ઞાનિક અને આત્મનિર્ભર ભારતના ભવિષ્ય માટે ઉપયોગી બની શકે. સમિતિએ આ કાર્યને ઝડપી ગતિએ આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે.
પ્રાકૃતિક કૃષિને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં ICARનું આ પગલું ખેડૂતો, વિદ્યાર્થીઓ અને કૃષિ સંશોધન ક્ષેત્ર માટે માર્ગદર્શક સાબિત થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રતિનિધિ : યોગેશ ચૌહાણ