વડોદરામાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી અને પ્રાઉડ ઓફ અગ્રવાલ સન્માન સમારોહનું સતત બીજા વર્ષે આયોજન કરાયું. જેમાં 100 જેટલા લોકોને સન્માનિત કરીને ઉત્સાહ વધાર્યો.
વડોદરાના કારેલીબાગ નીલકંઠ પાર્ટી પ્લોટમાં અગ્રવાલ સેવા સમિતિ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ, સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા સેન્ટ્રલ જેલના એસપી નિધિ ઠાકુર અને અતિથિ તરીકે જાણીતા યૂરોલોજિસ્ટ ડો સાહિલ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ અગ્રવાલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના મંડળોના આગેવાનોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના લોકો જોડાયા હતા.
ધોરણ 10ના 41 વિદ્યાર્થીઓ, ધોરણ 12ના 31 વિધાર્થીઓ, સ્નાતક અને અનુસ્નાતકના 8 વિદ્યાર્થીઓ, 4 તબીબી વિદ્યાર્થીઓ, 3 CA, 1 એડવોકેટ, 1 Ph.D ના વિદ્યાર્થી, 2 B.pharm અને 1 MBAના વિધાર્થીઓને પણ એવોર્ડ આપીને સન્માનિત કરાયા.
આ ઉપરાંત અગ્રવાલ સમાજમાં વિશિષ્ટ કામ કરતાં તેમજ વડોદરામાં અગ્રવાલ સમાજનું નામ રોશન કરનાર 9 વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે ઇમર્જિંગ અને ટ્રસ્ટેડ બિલ્ડર, વેપારી, ઉદ્યોગપતિ, સ્પોર્ટસમેન, અગ્રવાલ સમાજ કાવડયાત્રા સમિતિ, ઈમર્જિંગ CA અને જાણીતા તબીબને પણ એવોર્ડ આપી સન્માનિત કર્યા.
આ ઉપરાંત કાર્યક્રમમાં અગ્રસેન ભગવાનની જન્મજયંતી દિવસે જે અગ્રબંધુએ પરિવાર સાથે અગ્રસેન ભગવાનની આરતી કરી વિડિયો બનાવ્યા હતા, તેવા સમાજના 25 અગ્રબંધુને પણ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં અગ્રવાલ સેવા સમિતિના ચેરપર્સન રાધેશ્યામ અગ્રવાલ, પ્રમુખ રવિ અગ્રવાલ, મંત્રી પુરસોત્તમ અગ્રવાલ, ખજાનચી મનીષ અગ્રવાલ સહિત સમગ્ર સેવા સમિતિની સંપૂર્ણ ટીમ ઉપસ્થિત રહી હતી.
સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોના મનોરંજન માટે મેજીસીયન દ્વારા અદભુત મેજિક શો પણ બતાવવામાં આવ્યો હતો, આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને અગ્રવાલ સમાજના લોકોએ ગરબા અને ડાન્સ કરી આનંદ પણ માન્યો હતો.
કાર્યક્રમમાં અગ્રવાલ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વાઘોડિયા, સમા, માંજલપુર, અકોટા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા સહિત અન્ય વિસ્તારોના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અગ્રવાલ સેવા સમિતિ,
વડોદરા