Vadodara

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ખાલી પડેલા 102 આવાસોની ફાળવણી પ્રક્રિયા શરૂ

243 લાભાર્થીઓ માટે બેંક સાથે ટાઈ-અપ, વુડા રહેશે ગેરંટર

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ વિવિધ વિસ્તારોમાં ખાલી પડેલા 102 આવાસો જરૂરયાત મંદ લોકોને ફાળવવાની પ્રક્રિયા આરંભ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે લાભાર્થીઓએ અગાઉ ફાળવાયેલા આવાસના હપ્તા ચૂકવવામાં નિરસતા બતાવી હતી, તેઓને બેંક સાથે ટાઈ-અપ કરીને લોન મેળવી આપવા માટે મદદરૂપ થવામાં આવશે. PMAY હેઠળ ઈડબલ્યુએસ-1 અને 2 ટાઈપના વિવિધ સ્કીમમાં બનેલા આવાસોમાં સેવાસી-TP-1, ભાયલી TP-2, TP-3, TP-4, બિલ TP-1, ખાનપુર અંકોડીયા TP-2 આ વિસ્તારોમાં કુલ 102 આવાસો અત્યાર સુધી ખાલી પડ્યા છે. વુડા દ્વારા નીતિ નિયમો અનુસાર આ આવાસ જરૂરયાત મંદ લોકોને ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

PMAY હેઠળ ફાળવાયેલા કેટલાક આવાસો માટે કુલ 243 લાભાર્થીઓ હપ્તા ભરવામાં નિરસતા દર્શાવી હતી. વુડા દ્વારા તેમને સમજાવટ માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, અને તેમની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંક સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. વુડા ગેરંટર બનીને લોન મંજૂર કરવામાં સહાય કરશે.લાભાર્થીઓને તત્કાળ આવાસના પઝેશન માટે પ્રેરિત કરવામાં આવશે. જો લાભાર્થી હપ્તા નહીં ભરે તો નોટિસ આપી ફાળવણી રદ કરાશે. રદ કરાયેલા આવાસ અન્ય જરૂરતમંદોને ફાળવાશે. જેઓ આ યોજનાની આર્થિક સહાય છતાં હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જશે, તેમની ફાળવણી રદ કરવામાં આવશે અને આ આવાસ બીજા અરજદારોને ફાળવવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા PMAY હેઠળ વધુ લોકોને ઘરમાલિક બનાવવાનો ઉદ્દેશ છે.

Most Popular

To Top