બે દેશના પ્રધાનમંત્રી વડોદરાના મહેમાન બન્યા છે ત્યારે તેઓના રૂટ પર કરવામાં આવેલા ડાયવર્ઝનને કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે જેને લઈને કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા.
ન્યુ વીઆઇપી રોડ પર ટાટા એવિએશન પ્લાન્ટ ના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સેંચેસ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેઓના રૂટ પર તમામ લારી ગલ્લાઓ તેમજ દુકાનો બંધ રાખવામાં આવી હતી. જ્યારે મુખ્ય માર્ગ પર તેઓનો કાફલો જ્યાંથી નીકળે તે રોડને અન્ય વૈકલ્પિક વ્યવસ્થામાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે શહેરના રાવપુરા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
માંજલપુર તરફથી આવતા માર્ગને કાશી વિશ્વનાથ મંદિર બાદ તોપ સર્કલથી પોલો ગ્રાઉન્ડ તરફ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે શહેરના દક્ષિણ તરફથી આવતો ટ્રાફિક ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, દાંડિયા બજાર તેમજ રાવપુરા તરફ ડાયવર્ટ થયો હતો. જેના કારણે ફોરવીલર સહિત ટુવિલર વાહનો સાંકડા રસ્તાઓ પર પ્રવેશી જતા ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.