Vadodara

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના કાર્યક્રમમાં ફેરફાર, હવે એરપોર્ટથી બાઇક રેલી અંબાલાલ પાર્ક જશે

વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે દિલ્હીમાં મુલાકાત બાદ પ્રદેશ અધ્યક્ષ હવાઈ માર્ગે વડોદરા આવશે

ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ, 50થી વધુ સમાજના આગેવાનો બહુમાન કરશે, સ્વાગતમાં ફૂલહાર નહીં પુસ્તકો આપવામાં આવશે

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે પ્રથમવાર વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે. સાંજે પાંચ વાગ્યે તેઓ કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાનારી જાહેરસભાને સંબોધિત કરશે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, ભાજપની પરંપરા મુજબ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ બાદ અભિવાદન સમારંભ અંતર્ગત તેઓ ગુજરાતના જિલ્લાઓના કાર્યકર્તાઓને મળતા હોય છે. જે અંતર્ગત મધ્ય ગુજરાતનો આ કાર્યક્રમ વડોદરા શહેરમાં યોજાશે. અગાઉ તેઓ હાઈવે માર્ગે આવવાના હતા અને એક્સપ્રેસ હાઇવેના ટોલ નાકા ખાતે જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે, સોમવારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે ગયા હોવાથી હવે તેઓ હવાઈ માર્ગે સીધા વડોદરા એરપોર્ટ પર આવશે. પરિણામે ટોલ નાકા પરનું સ્વાગત કાર્યક્રમ રદ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર આગમન બાદ બાઇક રેલી સ્વરૂપે તેમને અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ સુધી લઈ જવામાં આવશે. રેલીમાં ભાજપના વિવિધ મોરચાના કાર્યકર્તાઓ જોડાશે. કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને સંગઠન મજબૂત કરવા માટે માર્ગદર્શન આપશે. પ્રદેશ અધ્યક્ષના સ્વાગતમાં કોઈ ફૂલહાર કે બુકે આપવામાં નહીં આવે. તેના બદલે લાઇબ્રેરીમાં ઉપયોગી બને તેવા પુસ્તકો ભેટ રૂપે આપવામાં આવશે. આ સૂચના જાતે પ્રદેશ અધ્યક્ષે આપી છે. જાહેરસભા દરમિયાન વિવિધ 50થી વધુ સમાજના આગેવાનો દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરવામાં આવશે, જેમાં ખાસ કરીને એસ.ટી. અને એસ.સી. સમાજના આગેવાનો પણ જોડાશે. સમગ્ર કાર્યક્રમને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શહેરભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

Most Popular

To Top