પુત્રના અકસ્માતને કારણે અપક્ષ ફોર્મ ભરવામાં 5 મિનિટ મોડું થતા રહી ગયેલા મહિલા નેતાએ સ્ટેજ ગજવ્યું; હેમનાણી પરિવાર સાથે ભાજપના સેટિંગનો આક્ષેપ

વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના જ એક મહિલા હોદ્દેદારે પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સિંધી સમાજની મહિલાઓને રાજકારણમાં પૂરતું પ્રતિનિધિત્વ અને ટિકિટ ન મળતી હોવાનો આક્ષેપ કરી મહિલા નેતાએ જાહેરમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સિંધી સમાજની મહિલાઓની ઉપેક્ષાનો આક્ષેપ
કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારે સવાલ ઉઠાવ્યો હતો કે, “દરેક સમાજમાં મહિલાઓ આગળ વધી રહી છે, તો સિંધી સમાજમાં જ મહિલાઓને કેમ તક નથી મળતી? શું અમે માત્ર ઘર સંભાળવા માટે જ છીએ? શું અમે વોટ કે સત્તા નથી સંભાળી શકતા?” તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિંધી મહિલાઓ ઘર અને વ્યવસાય બધું જ સંભાળી શકે છે, છતાં તેમને ટિકિટ આપવામાં આવતી નથી.
મહિલા હોદ્દેદારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવવા માંગતા હતા. જોકે, સંજોગવશાત તેમના પુત્રનું અકસ્માત થતા તેઓ ફોર્મ ભરવા માટે માત્ર પાંચ મિનિટ મોડા પડ્યા હતા, જેના કારણે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યું ન હતું.
મહિલા નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “મને લાગે છે કે ભાજપે હેમનાણી પરિવાર સાથે એગ્રીમેન્ટ કરી લીધું છે.” તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ ટર્મથી સતત એક જ પરિવારને મહત્વ આપવામાં આવે છે. અગાઉ પરષોત્તમભાઈ, ત્યારબાદ હીરાભાઈ અને હવે તેમના પુત્રને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે આ નેતાઓના પુત્રો ક્યારેય કોઈ સામાજિક કાર્યક્રમોમાં દેખાતા નથી, છતાં તેમને જ ટિકિટ આપવામાં આવે છે.
આ ઘટનાને પગલે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના જ હોદ્દેદાર દ્વારા શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી સામે જાહેરમાં રોષ ઠાલવવામાં આવતા સંગઠનમાં રહેલી આંતરિક નારાજગી સપાટી પર આવી છે.