Vadodara

પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે

બીસીએ ઓફિસ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારો માટે ઓરિએન્ટેશન બેઠક યોજાઈ

આદર્શ આચારસંહિતા અને શિસ્તના નિયમો અંગે ઉમેદવારોને માર્ગદર્શન
(પ્રતિનિધિ) વડોદરા, તા. 10
બરોડા ક્રિકેટ એસોસિએશનની (BCA) આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં વડોદરાના રમતગમત જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બીસીએની ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા પારદર્શક અને સુવ્યવસ્થિત મતદાન માટેની તૈયારીઓ તેજ કરવામાં આવી છે.

આ સંદર્ભમાં વડોદરામાં બીસીએની ઓફિસ ખાતે ચૂંટણી અધિકારી અને તેમની ટીમ દ્વારા તમામ ઉમેદવારો માટે એક વિશેષ ઓરિએન્ટેશન બેઠક યોજવામાં આવી હતી. પીપીટી પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયા અંગે ઉમેદવારોમાં રહેલી કોઈપણ પ્રકારની દ્વિધા દૂર કરવાનો અને નવી ટેકનોલોજી આધારિત મતદાન પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવાનો હતો.

બેઠક દરમિયાન મોટી સ્ક્રીન પર પ્રેઝન્ટેશન દ્વારા ઉમેદવારોને સમજાવવામાં આવ્યું હતું કે મતદાનના દિવસે પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે, મતદાન કેવી રીતે કરવાનું રહેશે તેમજ બેલેટ પેપર અથવા ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે થશે. સાથે જ આદર્શ આચારસંહિતા, ઉમેદવારો દ્વારા પાળવાના શિસ્તના નિયમો તેમજ મતગણતરી દરમિયાન રાખવાની સાવચેતીઓ અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

બીસીએની આ ચૂંટણી ખાસ મહત્વની છે, કારણ કે આગામી ત્રણ વર્ષ (2026થી 2029) માટે એસોસિએશનનું સુકાન કોના હાથમાં રહેશે તેનો નિર્ણય આ મતદાનથી થવાનો છે.

દેશમાં પ્રથમવાર આ પ્રકારની ટેકનોલોજી આધારિત મતદાન પદ્ધતિ બીસીએમાં અમલમાં
ચૂંટણી અધિકારી હિતેશ પટેલે જણાવ્યું હતું કે,
“બોગસ મતદાન અટકાવવા અને સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે આ વખતે મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ચૂંટણી યોજવામાં આવી રહી છે. દરેક મતદારનો ફોટોગ્રાફ અને ઓળખપત્ર સિસ્ટમમાં સ્ટોર કરવામાં આવશે, જે પબ્લિકલી તેમજ ઉમેદવારો દ્વારા પણ જોઈ શકાશે. કોણે, ક્યારે, કેટલા વાગે, કેટલી મિનિટ અને સેકન્ડે મતદાન કર્યું તેની તમામ વિગતો લિંકના માધ્યમથી ઉપલબ્ધ કરાશે. ભારત દેશમાં આ પ્રકારની મતદાન પદ્ધતિનો પ્રથમ વખત ઉપયોગ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં થવા જઈ રહ્યો છે.”

Most Popular

To Top