વડોદરા તાલુકા પોલીસ દ્વારા ભાયલી ખાતે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો
સોશિયલ મીડિયા દ્વારા લલચાવી બેંક ખાતા ખોલાવી સટ્ટાબાજી ચલાવતા હતા
રૂપિયા 1.81 લાખનો મુદ્દામાલ કબ્જે, વોન્ટેડ મુખ્ય સૂત્રધાર દુબઈથી ઓનલાઇન જુગારનું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનો ખુલાસો
વડોદરા, તા. 23
ઓનલાઈન ગેમ્બલિંગ અને સટ્ટાબાજી ચલાવતા મોટા રેકેટનો પર્દાફાશ વડોદરા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના ભાયલી વિસ્તારમાંથી મહિલાસહિત પાંચ શખ્સોને ઝડપાઈ ગયા હતા. જ્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હાલ દુબઈમાં રહેવા સાથે ત્યાંથી નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રતિબંધિત ઓનલાઇન ગેમ્બલિંગ નું નેટવર્ક ચલાવી લોકોને જુગાર રમવા રમાડવામાં આવે છે. એવી માહિતી મળતા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા આવા ગેમલિંગના નેટવર્ક ને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી તેના આધારે તાલુકા પોલીસ ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાયલી ગામે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટના મકાનમાં ઓનલાઇન પ્રતિબંધિત જુગાર રમાડવામાં આવે છે.
જેના આધારે તાલુકા પોલીસ દ્વારા બાતમી મુજબના સ્થળ ભાયલી ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં સ્થળ ઉપરથી મહિલા સહિત પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખી તપાસ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગેરકાયદે ઓનલાઈન જુગાર રમાડવા માટે ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ટેલીગ્રામ દ્વારા નાગરિકોને લોભામણી ઓફરો આપી પોતાના જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ તેઓ ગ્રાહકોને ગેમિંગ વેબસાઈટ અને એપ્લિકેશનની આઈડી-પાસવર્ડ આપી તીનપત્તી, રોલેટ, રમી અને અંદર-બહાર જેવી પ્રતિબંધિત ગેમ રમાડતા હતા. આ સમગ્ર નેટવર્ક દુબઈમાં રહેલા હર્ષિત ઉર્ફે બ્રહ્મા દ્વારા સંચાલિત થતું હોવાનું બહાર આવ્યું છે.
આ ગેંગ લોકોને બેંક ખાતા ખોલાવી તે ખાતાઓનો ઉપયોગ જુગારના નાણાં ટ્રાન્ઝેક્શન માટે કરતા હતા. આ રીતે તેઓ ઠગાઈ અને સાયબર ક્રાઈમને અંજામ આપતા હતા.
જેમાં 2 લેપટોપ, 16 મોબાઈલ ફોન, 12 ડેબિટ, ક્રેડિટ કાર્ડ, 2 પાસપોર્ટ, 2 વાઇફાઇ બોક્સ તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક સામગ્રી સહિત પોલીસે સ્થળ પરથી રૂપિયા 1.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દુબઈ ખાતે રહેતા અને નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી હર્ષિત ઉર્ફે બ્રહ્મા (દુબઈ સ્થિત, મૂળ છત્તીસગઢ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
— પકડાયેલા આરોપીઓ
દર્શન જેઠવા (મૂળ છત્તીસગઢ)
જોકિમ મેકવાન (છાણી, વડોદરા)
શેખર કશ્યપ (મૂળ છત્તીસગઢ)
ધ્રુતિ મેકવાન (વડોદરા)
મોહમદ આરિફ પટેલ (અકોટા, વડોદરા)