શહેરભરમાં વરસાદી ઝાપટા : પ્રતાપપુરામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધશે
સવારથી વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : સાંજે ગણેશ મંડળો ખાતે દર્શનાર્થે અગવડ ઊભી થવાની શક્યતા
વડોદરા: શહેરમાં સવારથી ઝાપટારૂપે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર શહેરમાં થઈ રહેલા વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં નીચાણવાળી જગ્યાએ પાણી ભરાવા લાગ્યા છે. તો બીજી તરફ વરસાદના કારણે આજે સાંજે ગણેશ દર્શન કરવા માટે નાગરિકોએ હેરાન થવું પડી શકે છે. કારણ કે હજુ આગામી 48 કલાક સુધી શહેરભરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચે પ્રતાપપુરા સરોવર છલકાઈ જતા એમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી ઠલવાઈ રહ્યું છે. જેના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વધશે.
આજે શનિવારે સવારથી શહેરભરમાં મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. સવારથી એકધારા વરસાદના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા કર્મચારીઓ અટવાઈ રહ્યા હતા. સવારે વરસાદ શરૂ થયા બાદ ઝાપટારૂપે અથવા ઝરમર સતત વરસાદ પડી રહ્યો છે. શહેરભરમાં થઈ રહેલા વરસાદના કારણે સયાજીગંજ સહિતના કેટલાક વિસ્તારોમાં નીચાણવાળી જગ્યાએ પાણી ભરાવા લાગ્યા છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જાણવા મળ્યા મુજબ, આજે સવારે અંદાજે નવ વાગ્યાથી પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવકના પગલે એમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી ઠાલવાય રહ્યું છે. પ્રતાપપુરા સરોવરમાંથી 4,065 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ પ્રતાપપુરા સરોવરની સપાટી 223.60 ફૂટ હોવાનું જાણવા મળ્યું છે. આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે સ્થિર છે. એમાં ઝાઝી પાણીની આવક થઈ રહી નથી. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 7.64 ફૂટ છે. પ્રતાપપુરાના પાણી આવતા વિશ્વામિત્રીની નદીની સપાટી ઉત્તરોત્તર વધી શકે છે.