સ્ટેશનનું અપગ્રેડ-આધુનિકીકરણ જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થશે :
( પ્રતિનિધી ) વડોદરા,તા.15
વડોદરા વિભાગના પ્રતાપનગર સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડોદરા શહેરના પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગની કામગીરી પૂર્ણ થતા આનાથી ભવિષ્યમાં પ્રતાપનગર સ્ટેશનથી લાંબા અંતરની મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન શક્ય બનશે. જે ટ્રેન સંચાલન અને મુસાફરોની સુવિધા માટે મહત્વપૂર્ણ રહેશે.

વડોદરા વિભાગના ગતિ શક્તિ એકમ દ્વારા પ્રતાપનગર સ્ટેશનનો સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પ્રતાપનગર સ્ટેશને વિશ્વામિત્રી-ડભોઇ- એકતાનગર અને ડભોઇ- અલીરાજપુર વિભાગ પર સ્થિત NSG-6 સ્ટેશન છે. વડોદરાના સેટેલાઇટ સ્ટેશન તરીકે પ્રતાપનગરનો વિકાસ વર્ષ 2022-23 માં 28.93 કરોડના કુલ ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનનું અપગ્રેડ, આધુનિકીકરણ જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ થશે.

મુસાફરોને આગામી સમયમાં બે ઉચ્ચ-સ્તરીય પ્લેટફોર્મ સાથે બે નવી પૂર્ણ-લંબાઈની લાઇનો, બીજા પ્રવેશદ્વાર પર ઉત્તર-મુખી રવેશ (1,000 વ્યક્તિઓની ક્ષમતા), બે ઉચ્ચ-સ્તરીય પ્લેટફોર્મ, બીજો પ્રવેશદ્વાર અને પાર્કિંગ વિસ્તાર, બીજા પ્રવેશદ્વાર પર મુસાફરો માટે ટિકિટ બુકિંગ કાઉન્ટર, બીજા પ્રવેશદ્વાર પર સેવા ભવન, નવો મહિલા પ્રતીક્ષા ખંડ, ચારેય પ્લેટફોર્મ ઢંકાયેલા શેડ સાથે ઉચ્ચ-માસ્ટ લાઇટો, નવા પાણીના નળ, નવી પૂછપરછ કાર્યાલય અને પ્લેટફોર્મ પર કોચ સૂચકાંકોની આધુનિક મુસાફરીની સુવિધાઓ મળશે.