પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ, પતિએ પત્નીને પતાવી દીધી – Gujaratmitra Daily Newspaper

Vadodara

પ્રણય ત્રિકોણનો કરૂણ અંજામ, પતિએ પત્નીને પતાવી દીધી

પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબધના કારણે જરોદના હાંસાપુરા ગામે મધરાત્રે પતિએ પત્નીની કરી કરપીણ હત્યા

ગળામાં ચાકૂનો ઘા કરી મોતને ઘાટ ઊતારી

વાઘોડિયા
તાલુકાના હાસાપુરા ગામમાં મધરાત્રે પતિએ 21 વર્ષીય પત્નીના ગળામાં ચાકૂનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની બનેલી ઘટનાએ સનસનાટી મચાવી મૂકી છે. પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોનોના કારણે ત્રણમાસના લગ્ન જીવનનો કરુણ અંત આણ્યો હતો. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.જરોદ ગામ પાસે આવેલા હાંસાપુરા ગામમાં રહેતા રઘુવીરસિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ ચૌહાણ ( ઉંમર વર્ષ 23 ) ના લગ્ન ત્રણ માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે જ્ઞાતિના રિતી રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા. અઢીમાસના લગ્ન જીવનમા પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. જેના કારણે નવદંપતી વચ્ચે કંકાસ શરૂ થયો હતો.સંસારિક જીવન દરમિયાન સ્નેહાએ પતિને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવા માટે જણાવતા પતિ રઘુએ પ્રેમ સંબંધ ભૂલી જવા માટે ખાતરી આપવા છતા પ્રેમમાં અંધ બની પતિ યુવતી સાથેનો પ્રેમ સંબંધ ભૂલ્યો ન હતો અને અવારનવાર પ્રેમિકા સાથે વાતચીત કરતો અને મળતો હતો. જેના કારણે પતિ પત્ની વચ્ચે કલેહ ચાલતો હતો.ગત્ રોજ મધરાત્રે રઘુ અને સ્નેહા વચ્ચે પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થતા ઊશકેરાયેલા પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકૂનો ઘા કરી કરપીણ હત્યા કરી ઢીમ ઢાળી દીધું હતું. લોહીલુહાણ થઈ ગયેલી પત્ની સ્નેહા લોહીના ખાબોચિયામાં તરફડીયા મારી મોતને ભેટી હતી.આ દરમિયાન આ બનાવની જાણ મકાનના અન્ય રૂમમાં સૂઈ ગયેલા માતા-પિતા તેમજ બહેનને થતા તેઓ દોડી આવ્યા હતા. અને લોહીથી લથપથ સ્નેહાની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા. મધ રાત્રે ખેલાયેલા ખૂની ખેલની જાણ સવાર પડતા હાંસાપુરા ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી અને ફળિયાના લોકો રઘુના ઘરે ટોળે વળી ગયા હતા.ગામના સરપંચ અશોક ચૌહાણે જરોદ પોલીસને જાણ કરી હતી.જરોદ પોલીસ મથકના પી.આઇ. જે. એ. બારોટ સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે ડીવાયએસપી આકાશ પટેલ તેમજ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. જરોદ પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવવાની જાણ સ્નેહાના પરિવારજનોને કરાતા તેના માતા-પિતા સહિત પરિવારજનો પણ હાંસાપુરા ગામે દોડી આવ્યા હતા. સ્નેહાનો મૃતદેહ જોઈ તેના માતા પિતા સહિત પરિવારજનો ભારે આક્રંદ કરી આરોપીને આજીવન કારાવાસ થાય અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી હતી.જરોદ પોલીસ મથકના પી.આઈ. એ હત્યારા પતિ રઘુવીર સિંહ ઉર્ફ રઘુ ચૌહાણની અટકાયત કરી લિઘી છે. બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.


*હત્યાના સ્થળે થી વસ્તુઓ મળી

જે જગ્યાએ હત્યા કરી તે જગ્યાએ પરણીતાની ફૂટેલી બંગડીઓ તૂટેલો મંગળસૂત્ર અને પગનો એક વિછિયો અને તૂટેલી પાયલ સહિત લોહિના ડાઘ વાડા કપડા મડી આવ્યા,સાથેજ હત્યાના સ્થળે લોહિનુ ખાબોચીયુ ભરાયુ હતુ. હત્યાબાદ હત્યારા પતીએ ચાકુ ક્યાંક ફેંકિ દિઘુ હતુ.

Most Popular

To Top