Charotar

પ્રગતિનગરના રહીશોના ભાડા પરની પેનલ્ટી 100 માફી આપી દસ્તાવેજ માટે કેમ્પ યોજાયો

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પ્રગતિનગર-પુનેશ્વરનગરના રહીશોને માર્ગદર્શન અપાયુ

કાર્યક્રમમાં પહોંચેલા ધારાસભ્ય અને હાઉંસિગ બોર્ડના અધિકારીઓ સમક્ષ લોકોએ રોષ ઠાલવ્યો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.10

નડિયાદમાં એસ.ટી. નગરની પાછળ આવેલા પ્રગતિનગર અને પુનેશ્વર ફ્લેટની હાલત જર્જરીત બની છે. 5 વર્ષ પહેલા પ્રગતિનગરમાં ફ્લેટ પડવાની દુર્ઘટના બની અને તેમાં એક પરીવારના 2 સદસ્યો અને અન્ય 2 એમ કુલ મળી 4ના મૃત્યુ થયા હતા. આ ઘટનાને આજે 5 વર્ષ જેટલો સમય થયો છે. દુર્ઘટના બની તે વખતે તો તંત્રએ તાત્કાલિક તમામ રહીશોને ફ્લેટ ખાલી કરવા મજબૂર કર્યા હતા અને તે બાદ રહીશો ભાડે રહેવા માટે જવા મજબૂર બન્યા હતા. આ વખતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ અત્રે આ ફ્લેટોના નવનિર્માણનું સ્વપ્ન રહીશોને બતાવ્યુ હતુ. જે આજદીન સુધી પૂર્ણ થયુ નથી. જેના કારણે રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જે-તે સમયે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ફ્લેટોના નવનિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હોવાનો લેટર પણ રજૂ કર્યો હતો. જો કે, આ તમામ ઘટનાઓને વર્ષો વીતી જવા છતાં હજુ સુધી અહીંયા નવનિર્માણ માટે એક ઈંટ સુદ્ધા મુકાઈ નથી. આ માટે 8 વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ ઈજારદારે રસ દાખવ્યો નથી અને તેના પરીણામે 9મી વખત ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવશે, તેમ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આજે અહીંયા એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ. જો કે, આ નવનિર્માણ પહેલા 75 ટકા રહીશોએ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, તેમ જણાવ્યુ છે. 75 ટકા રહીશોની મંજૂરી જરૂર હોય, મુખ્યમંત્રી દ્વારા વહેલીતકે દસ્તાવેજ અને વારસાઈ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જણાવ્યુ હોવાનું પણ સ્થળ પર ધારાસભ્યએ જણાવ્યુ હતુ. ત્યારે જ-તે સમયે ચૂંટણી પૂર્વે રહીશોને દિલાસો આપી અને મોટી જાહેરાતો કર્યા બાદ હવે ટેકનીકલ કારણો દર્શાવી અને ફ્લેટના નવનિર્માણમાં વિલંબ થઈ રહ્યો છે. જેના પરીણામે અહીંયા રહેતા પરીવારોની ધીરજ ખૂટી છે અને તેમણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ, વડોદરા દ્વારા યોજાયેલા કેમ્પમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો માટે મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલિયરન્સ સેલની જૂની યોજનામાં તા.30/09/2024 સુધી બાકી હપ્તાની પેનલટી માં 100% માફી આપી દસ્તાવેજ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો.

5 વર્ષ પહેલા પ્રગતિનગર દુર્ઘટનામાં 4ના મોત થયા હતા

8 ઓગસ્ટ, 2019નો દિવસ નડિયાદ માટે એક દુઃખદ દુર્ઘટના લઈને આવ્યો અને આ દુર્ઘટનામાં નડિયાદના પ્રગતિનગરના ફ્લેટ ધરાશાયી થતા 4ના મૃત્યુની બિના બની હતી. આજે આ ઘટનાને 5 વર્ષ અને 2 દિવસ પૂર્ણ થયા છે. પ્રગતિનગર, પુનેશ્વર સહિતના ફ્લેટ જર્જરીત થઈ ગયેલા હોવાથી તે વખતે તંત્રએ તમામ રહીશોના ફ્લેટ ખાલી કરાવ્યા હતા અને રહીશો આર્થિક રીતે નબળા હોવા છતાં ભાડે રહેવા ગયા હતા. તે વખતે સ્થાનિક નેતાગીરી અને પ્રશાસન દ્વારા આ તમામ ફ્લેટોનું નવનિર્માણ કરવાની બાહેંધરી અપાઈ હતી અને તે આજદીન સુધી પૂરી કરી શક્યા નથી અને હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અહીંયા રહેનારા પરીવારોને દસ્તાવેજો કરવા માટે કેમ્પ શરૂ કરાયો છે અને 75 ટકા લોકોનો દસ્તાવેજ થાય તો આગળની કાર્યવાહી થઈ શકશે, તેમ કેમ્પમાં પહોંચેલા ધારાસભ્યએ જણાવ્યુ હતુ.

Most Popular

To Top