એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
હાલોલ |
પોષી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ તથા શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની માં કાલિકાના દર્શનાર્થે એક લાખથી વધુ માઈભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લીધો હતો, જેના કારણે સમગ્ર પાવાગઢ પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો હતો.
હિન્દુ ધર્મમાં પોષી પૂનમનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ દિવસે શાકંભરી માતાની જયંતિ મનાવવામાં આવે છે. શાકંભરી માતાને દેવી દુર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની ઉપાસનાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે, એવી ભક્તોની માન્યતા છે. આ કારણે પોષી પૂનમને આધ્યાત્મિકતા, ભક્તિ અને પવિત્રતાનો પર્વ ગણવામાં આવે છે.
શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે વહેલી સવારથી જ માઈભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભક્તો સરળતાથી માંચી સુધી પહોંચી શકે અને માતાજીના નિર્વિઘ્ન દર્શન કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પોષી પૂનમના પાવન પર્વે પાવાગઢ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ