Vadodara

પોલો ગ્રાઉન્ડમાં બાળકોની ‘ક્રિકેટ’ પર કોન્ટ્રાક્ટરના ‘પેવર બ્લોક’ ફરી વળ્યા!

તંત્ર ઘોર નિદ્રામાં: મેદાનને પાર્કિંગ પ્લોટ બનાવી દેતા કોન્ટ્રાક્ટરો સામે ક્યારે થશે કાર્યવાહી?

4 મહિનાથી રજૂઆત છતાં પરિણામ શૂન્ય; પેવર બ્લોક અને કપચીના કારણે બાળકો ઈજાગ્રસ્ત થવાનો ભય, ખેલાડીઓમાં ભારે રોષ

વડોદરા શહેરનું મધ્યમાં આવેલું અને રમતગમત માટે જાણીતું ઐતિહાસિક પોલો ગ્રાઉન્ડ હાલમાં વિવાદનું કેન્દ્ર બન્યું છે. મેદાનમાં વિકાસકાર્યોના નામે કોન્ટ્રાક્ટરો દ્વારા કન્સ્ટ્રક્શન મટીરિયલનો ખડકલો કરી દેવામાં આવતા સ્થાનિક રમતવીરો, યુવાનો અને બાળકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવાની જગ્યાએ પેવર બ્લોક, રેતી અને કપચી નાખી દેવામાં આવતા ખેલાડીઓને ઈજા થવાનો ભય સતાવી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલો ગ્રાઉન્ડના જે ભાગમાં બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં ક્રિકેટ રમે છે, ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પ્રમાણમાં પેવર બ્લોક અને બાંધકામની અન્ય સામગ્રી ઉતારવામાં આવી છે. આ સામગ્રીના કારણે મેદાનમાં રમવા માટે જગ્યા રહી નથી. સામાજિક કાર્યકર તેમજ ખેલાડીઓ દ્વારા જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર મહિનાથી આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને વોર્ડ ઓફિસમાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
રજૂઆતકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, પોલો ગ્રાઉન્ડ હવે રમતનું મેદાન મટીને ગોડાઉન અને પાર્કિંગ પ્લોટ જેવું બની ગયું છે. અહીં માત્ર બાંધકામની સામગ્રી જ નહીં, પરંતુ ટ્રાવેલ્સની બસો અને ફ્રૂટની ગાડીઓ પણ ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવે છે. મેદાનમાં ફેલાયેલી કપચી અને રેતીના કારણે બાળકો દોડતી વખતે લપસી પડે છે અને ઈજાગ્રસ્ત થાય છે.
સામાજિક કાર્યકર અને રમતવીરો દ્વારા રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “જો કોઈ બાળકને ગંભીર ઈજા થશે અથવા કોઈ મોટી દુર્ઘટના ઘટશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિસ્તારના અધિકારીઓની રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જો આગામી દિવસોમાં આ મટીરિયલ તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો અને રમતવીરો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હાલ તો પોલો ગ્રાઉન્ડમાં ખડકાયેલા પથ્થરો અને રેતીના ઢગલા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગે છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવે છે.

Most Popular

To Top