Kalol

પોલીસ સાથે દબંગાઈનો કેસ : કાલોલના કોર્પોરેટર સહિત ચાર મહિલાઓ ફરાર, ઘરો પર નોટિસ ચોટાડાઈ

કાલોલ:
કાલોલમાં પોલીસ સાથે દબંગાઈ અને ગેરવર્તનની ગંભીર ઘટનામાં કાલોલ નગરપાલિકાના કોર્પોરેટર સહિત ચાર મહિલાઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરતા આજે તેમના રહેણાંક મકાનો પર નોટિસ ચોટાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગત મંગળવારે કાલોલ એમજીએસ ગરનાળા પાસે કાળા કાચવાળી અને લાકડાના દંડાવાળું વાહન પુરઝડપે હંકારી ગંદો ઈશારો કરતા એક કારચાલકને પોલીસે તિરંગા સર્કલ પાસે રોક્યો હતો. આ સમયે કારમાં રહેલા એક યુવક અને બે મહિલાઓ સાથે પોલીસની બોલાચાલી થઈ હતી. દરમિયાન કાલોલ નગરપાલિકાના કાઉન્સિલર જ્યોત્સનાબેન બેલદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આરોપ છે કે કાઉન્સિલરે પીઆઈ આર.ડી. ભરવાડ અને પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સ્વીફ્ટ કારની ચાવી કાઢી લઈને “ગાડી અહીંથી નહીં જાય, હાથ લગાડશો તો હાથ તોડી નાંખીશ” જેવી ધમકીઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં, વુમન કોન્સ્ટેબલ સુનીતાબેન અને શિલ્પાબેન સાથે ઝપાઝપી કરી તેમને ઈજાઓ પહોંચાડી હતી, જેમાં એક મહિલા કોન્સ્ટેબલને ફ્રેક્ચર પણ આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રતીક જોષી, વર્ષાબેન, નેહાબેન, પ્રિયંકાબેન અને જ્યોત્સનાબેન બેલદાર દ્વારા એક સંપ કરીને ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસ સ્ટેશનમાં પણ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકઅપને લાતો મારવી, “મને જેલમાં પૂરી દો” જેવી ઉશ્કેરણી, તેમજ બદલી અને સસ્પેન્શનની ધમકીઓ આપીને પોલીસનું અપમાન કરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સમગ્ર ઘટનાના પગલે પોલીસે પ્રતીક જોષીની અટકાયત કરી છે, જે હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. તેમની જામીન અરજીની સુનાવણી સોમવારે હાલોલની ત્રીજા એડીશનલ સેશન્સ કોર્ટમાં માન. જજ બી.ડી. પરમાર સમક્ષ થઈ હતી, જેમાં હુકમ માટે ગુરુવારની તારીખ મુકરર કરાઈ છે.
આ તરફ કાઉન્સિલર જ્યોત્સનાબેન બેલદાર સહિત ચાર મહિલાઓ પોલીસ પકડથી બચવા માટે ભાગતા ફરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અલગ–અલગ ટીમો બનાવી દક્ષિણ ગુજરાત અને અમદાવાદ તરફ તપાસ શરૂ કરી છે તેમજ સંભવિત આશ્રયસ્થાનો પર પણ તપાસ હાથ ધરાઈ છે. જોકે, હજુ સુધી તેઓ હાથ લાગ્યા નથી.
આજ રોજ કાલોલ પોલીસે તમામ આરોપીઓના ઘરે નોટિસ ચોટાડીને કાયદેસરની કાર્યવાહી આગળ વધારી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top