Charotar

પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ,વિજીલન્સે પ્રોહીબીશનનો ક્વોલીટી કેસ કર્યો તે અરસામાં પશ્ચિમ પોલીસે પણ લાખોનો દારૂ પકડ્યો


વિજીલન્સે 3.23 લાખનો તો પશ્ચિમ પોલીસે 3.48 લાખનો વિદેશી દારૂ ઝડપ્યાનું નોંધ્યુ


(પ્રતિનિધિ) નડિયાદ, તા.18
નડિયાદ પશ્ચિમ પોલીસ મથકની હદમાં ગતરોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં બે સ્થળોએ બાતમી આધારીત દરોડા પાડી અને 3.23 લાખના વિદેશી દારૂ સાથે પ્રોહીબીશનનો કુલ 11.74 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો છે. જો કે, આ દરોડા પાડ્યા તે અરસામાં જ પશ્ચિમ પોલીસ મથકના કર્મીઓ દ્વારા પણ 3.48 લાખના વિદેશી દારૂ સાથે 2 ઈસમોને ઝડપ્યાનું નોંધ્યુ છે. જો કે, વિજીલન્સે ક્વોલીટી કેસ કર્યો તે દરમિયાન જ પશ્ચિમ પોલીસે પણ એકાએક પ્રોહીબીશન હેઠળ લાખોનો દારૂ પકડ્યો હોવાનું નોંધાતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
નડિયાદ પશ્ચિમ પોલીસના હદ વિસ્તારમાં ગઈકાલે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં બપોરે 2.30 વાગ્યાથી મોડી રાતે 11 વાગ્યા સુધી બે સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં પહેલા પીજ રોડ પર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પાછળ મહીડા કોલોનીમાં તેમજ સત્સંગ પાર્ટી પ્લોટની બાજુમાં અવાવરૂ જગ્યાએ વિદેશી દારૂનું વેચાણ પર સપાટો બોલાવ્યો હતો. જ્યાં સ્થળ પરથી કુલ 4 ઈસમોને ઝડપ્યા છે. જેમાં દારૂના વેચાણ પર વોચ રાખનાર અને છુટક વેચાણ પર વોચ રાખનાર 2 ઈસમો સહિત વિદેશી દારૂ લેવા આવેલા 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ દરોડામાં 3.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે વાહન, મોબાઈલ અને રોકડ રૂપિયા મળી કુલ 11.74સ લાખ રૂપિયાનો મુદ્દામાલ પ્રોહીબીશન હેઠળ જપ્ત કર્યો છે. આ સપાટામાં સ્ટેટ મોનીટરીંગ સેલને એક પણ બુટલેગર હાથ લાગ્યા નથી. જેથી 4 બુટલેગરો સહિત 10 સામે પણ ગુનો નોંધ્યો છે. પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં સોહીલ મહીડા, અલ્પેશ ઠાકોર, સુરેશ પરમાર અને દિલીપ તુવરનો સમાવેશ થાય છે. જ્યારે રણજીત મહીડા, હમીદ મહીડા, ફીરોજ મહીડા, આશીક મહીડાને વોન્ટેડ જાહેર કર્યા છે. તો સાથે જ દારૂની હેરાફેરી કરનાર રાજેશ રાઠોડ (રહે. પશ્ચિમ પોલીસ મથકની સામે, નડિયાદ) સામે પણ ગુનો નોંધ્યો છે. આ સિવાય દારૂ લેવા આવતા અન્ય 5 સામે તેમના વાહનોના નંબરના આધારે ગુનો દાખલ કર્યો છે. જો કે, એકતરફ જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડ ચાલી રહી હતી, તે દરમિયાન 6 વાગ્યાથી માંડી રાતે સવા દસ સુધીના સમયમાં પશ્ચિમ પોલીસ દ્વારા પણ રેલવે સ્ટેશન પાછળ છાપરા વિસ્તારમાં દરોડો પાડી અને 3.48 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હોવાનું નોંધ્યુ છે. જેમાં પશ્ચિમ પોલીસના જવાનો પોતે પેટ્રોલિંગમાં હોય, તે દરમિયાન બાતમીના આધારે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી અને વિદેશી દારૂનું વેચાણ કરતા ગીતાબેન ઠાકોર, ભરતભાઈ ઠાકોરને ઝડપી પાડી તેમના કબ્જામાંથી જુદી-જુદી બ્રાંડનો વિદેશી દારૂ ઝડપી બંનેની અટકાયત કરી 3.48 લાખના વિદેશી દારૂ સાથે કુલ 3.78 લાખનો પ્રોહીબીશન મુદ્દામાલ જપ્ત કર્યાનું જણાવ્યુ છે. જો કે, એકતરફ સ્ટેટ મોનીટરીંગ સેલનો ક્વોલીટી કેસ અને બીજીતરફ એકાએક પશ્ચિમ પોલીસને પણ લાખોનો વિદેશી દારૂ મળી આવ્યાની બાબતથી સૌ કોઈ અચરજમાં છે.

કાર્યવાહીની ગાજથી બચવા ક્રોસ કેસ?

એકતરફ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ક્વોલીટી કેસ કરાયો અને બીજીતરફ પશ્ચિમ પોલીસે પણ લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો છે, ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની રેઈડ બાદ પશ્ચિમ પોલીસ મથકના જવાબદાર અધિકારીઓ અને વહીવટદારો પર કાર્યવાહીની શક્યતાઓ હતી, આ કાર્યવાહીની ગાજથી બચવા માટે ક્રોસ કેસ ઉભો કર્યાની હોવાની ચર્ચાઓ છે. તેમાંય પશ્ચિમ પોલીસ મથકના જવાબદાર અધિકારી અને 2 વહીવટદારોને જ આ કેસની બાતમી મળ્યાનું દર્શાવ્યુ છે, જેથી તેમની સામે કાર્યવાહી થાય તે પહેલા બચાવ માટે પેતરુ ઉભુ કરી દીધાનું ચર્ચાઈ રહ્યુ છે.

વર્ષોથી વિદેશી દારૂનો ધિકધિકતો ધંધો

આ તરફ નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ પરની મહીડા કોલોની અને પીજ ચોકડી પાસે અવાવરૂ જગ્યામાં ખુલ્લેઆમ વર્ષોથી વિદેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ અને વહીવટદારોના વ્યવહારોની વચ્ચે વિદેશી દારૂનું દૂષણ ફુલ્યુ ફાલ્યુ છે, તેમ છતાં સ્થાનિક પોલીસ પ્રશાસન અને જવાબદારો સામે કોઈ પણ પ્રકારના પગલાં ઉચ્ચ કક્ષાએથી લેવાતા ન હોવાની ચર્ચાઓ ઉઠી છે.

Most Popular

To Top