તમારું સિમ કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું હોવાનું કહી ડરાવ્યા, વીડિયો કોલ પર ખાખીમાં બેઠેલા શખ્સે પોલીસ લોગો પણ બતાવ્યો
( પ્રતિનિધિ ) વડોદરા, તા.19
વડોદરા શહેરમાં રહેતા 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને નકલી પોલીસ અધિકારીઓ બની સાયબર ઠગોએ 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી રૂ. 1.82 કરોડ પડાવી લીધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઠગોએ મહિલાને તમારું સિમ કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું છે અને તેના મારફતે રૂ. 243 કરોડનું મની લોન્ડરિંગ થયું હોવાનું કહી ડરાવ્યા હતા. આખરે છેતરપિંડીનો અહેસાસ થતા વૃદ્ધ મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, 4 ડિસેમ્બરે સવારે આશરે 11 વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનાર શખ્સે મહિલાને જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડના આધારે ખરીદાયેલા સિમ કાર્ડ પર 39 કેસ નોંધાયા છે. ત્યારબાદ કોલ ટ્રાન્સફર કરીને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ રાવ હોવાનું કહી વાત કરાવવામાં આવી હતી.
પછી વીડિયો કોલ મારફતે ખાખી યુનિફોર્મ પહેરેલા શખ્સે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી હતી અને પાછળ પોલીસ ઓફિસનો લોગો બતાવ્યો હતો. ઠગોએ મહિલાનું આધાર કાર્ડ મંગાવી નકલી ઓળખપત્રો અને સુપ્રીમ કોર્ટની નોટિસના દસ્તાવેજો મોકલી તેમને ભયભીત કર્યા હતા. મહિલાને ઘરમાં જ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખવામાં આવી હતી અને રોજ સવારે મેસેજ કરીને હાજરી નોંધાવવાનો હુકમ પણ આપવામાં આવ્યો હતો.
8 ડિસેમ્બરે ભેજાબાજોએ જણાવ્યું હતું કે તેમના નામે લેવાયેલું સિમ કાર્ડ આતંકવાદી ઓમ સાલમના કેસમાં વપરાયું છે અને તેના દ્વારા રૂ. 243 કરોડનું મની લોન્ડરિંગ થયું છે. ત્યારબાદ નકલી બેંક સ્ટેટમેન્ટ મોકલી મહિલાના મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને અન્ય રોકાણોની વિગતો મેળવી લેવામાં આવી હતી. “આરબીઆઈના ખાતામાં પૈસા જમા કરાવશો તો કેસમાંથી છૂટકારો મળશે અને બાદમાં રકમ પરત મળશે” તેવી વાત કરી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
11થી 16 ડિસેમ્બર દરમિયાન અલગ-અલગ દિવસે મહિલાના વિવિધ બેંક ખાતાઓમાંથી રૂ. 1.82 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. દરેક ટ્રાન્સફરની રસીદ મોકલીને ઠગોએ વિશ્વાસ કેળવ્યો હતો. 18 ડિસેમ્બરે એફડી તોડાવવા માટે દબાણ કરતા મહિલાને શંકા ગઈ અને પરિવારજનોને વાત કરતાં છેતરપિંડીનો ખુલાસો થયો.
સિનિયર સિટીઝન મહિલાની ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી ભેજાબાજોની ઓળખ અને પૈસાની હેરફેર અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિ પોલીસ, કોર્ટ કે સરકારી અધિકારી બની ફોન કે વીડિયો કોલ પર પૈસાની માંગ કરે તો તરત સાવચેત રહેવું અને પોલીસનો સંપર્ક કરવો.