( પ્રતિનિધી )વડોદરા,તા.6
વડોદરામાં શહેરમાં અને હાઈવે પર રસ્તાઓની ખખડધજ હાલત થઈ છે. જેના કારણે વડોદરથી ભરૂચ તરફ જતા માર્ગે દરરોજ સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. ખાસ કરીને પોર પાસે રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વરસાદ બાદ આ રસ્તો, રસ્તો નહીં પણ પાણી ખાડામાં ભરાઈ જવાથી તળાવ બની જાય છે. જેથી અહીંથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે.

વડોદરા થી ભરૂચ તરફ જતા માર્ગે વચ્ચે પોર ગામ આવે છે. ત્યાંથી થઈને નેશનલ હાઈવે 48 અને નીચેથી જૂનો નેશનલ હાઈવે નંબર 8નો રોડ પસાર થાય છે. જોકે હાલ આ બંને રસ્તાઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને અહીંથી પસાર થવું રોજની સજારૂપ બન્યું છે.

જૂનો નેશનલ હાઈવે નંબર 8નો નાનો ભાગ જે નદીની ઉપર થઈને નેશનલ હાઈવે 48ને જોડે છે. જ્યાં રસ્તો તદ્દન બિસ્માર બન્યો છે. એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે, કેટલીક ગાડીઓ ફસાઈ જાય છે. વરસાદ બાદ આ રસ્તો, રસ્તો નહીં પણ પાણી ખાડામાં ભરાઈ જવાથી તળાવ બની જાય છે. બાઈક સ્લીપ મારી જાય છે, મોપેડ પલ્ટી મારે છે અને રોજ કોઈને કોઈનો અકસ્માત સર્જાય છે.

જ્યારે ઉપરથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર પણ હાલ સ્થિતિ બરાબર નથી. દરરોજ આઠથી 10 કિમી લાંબો ટ્રાફિકજામ રહે છે. લોકો એકથી દોઢ કલાક સુધી ટ્રાફિકજામમાં ફસાઇ રહે છે. ટ્રક, કાર , બસો અને ખાસ કરીને તો એમ્બ્યુલન્સ પણ અટકી જાય છે. કોઈક વખત દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કલાકો થઈ જાય છે.
હવે આ રસ્તો નહીં ખતરો બની ગયો છે. અહીં સવાલ એ થાય છે કે એનએચએઆઈ અને રોડ વિભાગના અધિકારીઓ આખરે કરી કરી રહયા છે. જનતા રોડ ટેક્સ અને ટોલ ટેક્સ આપે છે, છતાં પણ રસ્તાની સ્થિતિ બદલાતી નથી. પોર અને તેની આસપાસના લોકો પરેશાન છે. બાળકોને સ્કૂલ, લોકોને નોકરી ધંધા અને દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે, પોર ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 અને જૂનો નેશનલ હાઈવે નંબર 8 ના રોડની ત્વરિત મરામત કરાવવા લોકમાંગ ઉઠી છે. હવે લોકોની સહનશક્તિ તૂટી ગઈ છે અને દરરોજની આ તકલીફ ઝેલતા ઝેલતા હવે ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે.