વડોદરા: ખાનગી કંપની વાળાની બેદરકારીનો ભોગ એક આધેડ કર્મચારી બન્યો હતો. સેફટી અને સલામતીના સાધનો વગર ક્રેન રીપેરીંગની કામગીરી દરમિયાન ૨૦ ફૂટની ઊંચાઈએથી પટકાતા કરુણ મોત નીપજ્યું હતું.
મકરપુરા નજીક આવેલા પોર જીઆઇડીસીમાં પંચાલ બ્રધર્સ નામની કંપની આવેલી છે. કોઈ કારણસર ફીટીંગ ક્રેન lમાં ખામી સર્જાઇ હતી. લોખંડની અત્યંત વજનદાર વસ્તુને આઘીપાછી કરવાના ઉપયોગમાં લેવાતી લિફ્ટિંગ ક્રેન રીપેરીંગ કરવા 60 વર્ષના ભાવેશ રજનીંકાન્ત પટેલ (રહે: ભવ્ય એપાર્ટમેન્ટ પાણીની ટાંકી અટલાદરા) ગયા હતા. કંપનીના સંચાલકો સાથે વાતચીત કરીને રીપેરીંગનું કામ હાથ ધર્યું હતું. આશરે 20 ફૂટની ઊંચાઈ ઉપર રીપેરીંગ કરતા ભાવેશભાઈએ એકાએક સંતુલન ગુમાવતા ધડાકાભેર નીચે પટકાયા હતા. બનાવના પગલે કંપનીના અન્ય કર્મચારીઓ અને સ્ટાફ બચાવ અર્થે દોડી આવ્યો હતો. માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમા ગંભીર ઈજા પામેલા ભાવેશભાઈને લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
કરુણ બનાવ અંગે એમના પુત્ર જય સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 15 એક વર્ષથી તેના પિતા ક્રેન રીપેરીંગનું કામગીરી કરીને આજીવિકા રળતા હતા. પુત્ર જય ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માતા અને પત્ની સાથે રહેતા પરિવારના માથે આકસ્મિક બનેલી ઘટનાના કારણે આભ તૂટી પડ્યું હતું. ઘરનો મોભી એકાએક ચાલ્યો જતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.