ફાયરબ્રિગેડના ત્રણ ફાયર એન્જીનના સ્ટાફ સાથે આગ બુઝાવવાની કામગીરી
આગ ક્યા કારણોસર લાગી કે લગાવવામાં આવી : રહસ્ય અકબંધ
વડોદરા શહેર નજીક જીઆઇડીસીમાં આવેલી હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ વર્ક્સ પ્રા.લી.કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તુરંત ફાયરબ્રિગેડના જવાનો ત્રણ ફાયર એન્જીનના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી. આગની લપેટમાં ફાઈબર મટિરિયરલ આવી જતા મોટી માત્રામાં નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરા શહેર નજીક પોર જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાથી ફાયરબ્રિગેડના તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર પોર જીઆઇડીસીના પ્લોટ નંબર 131 ખાતે હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ વર્ક્સ પ્રા.લી. કંપની આવેલી છે. જેમાં રાત્રિના બાર વાગ્યાની આસપાસ એકાએક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
તુરંત બનાવની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો ત્રણ ફાયર એન્જીનના સ્ટાફ સાથે પોર જીઆઈડીસી હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ કંપની ખાતે દોડી ગયા હતા. જ્યાં પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથધરી હતી. આ કંપનીમાં પીઓપી નું ફાઇબર મટીરીયલ હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હોવાની માહિતી મળવા પામી છે. જોકે આગ ક્યા કારણોસર લાગી કે લગાવવામાં આવી તે જાણી શકાયું નથી. હાલ આગની આ ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.