(પ્રતિનિધિ) વડોદરા તા. 18
વડોદરા નજીક પોર રમણગામડી રોડ પર આવેલ જીઆઇડીસીમાં પ્લાસ્ટિક ની પ્લાય બંધાવવાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો એક જ રૂમમાં રહી ફેક્ટરીમાં કામ કરે છે જ્યાં ગતરોજ બુધવારે વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાના સુમારે રામમની સંતોષભાઇ પોલ નામનો 19 વર્ષીય શ્રમજીવી રસોઈ બનાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક ગેસનો સિલિન્ડર ફાટતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો જેમાં તે પીઠના ભાગે,હાથ પગ તથા છાતી સહિતના ભાગે દાઝી જતાં તેની બાજુની ફેક્ટરીમાં રહેતા અન્ય શ્રમજીવીઓ ધડાકા અને આગના પગલે દોડી આવ્યા હતા અને દાઝી ગયેલા શ્રમજીવીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે વડોદરાના એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તે સારવાર દરમિયાન બેભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપનીમાં મજૂરો એક રૂમમાં રહેતા હતા અને અહીં બે ચાર મહિને શ્રમજીવીઓ બદલાતા રહે છે અને પરિવારથી દૂર અહીં એકલા શ્રમજીવીઓ કામ કરે છે.વહેલી સવારે રસોઈ બનાવતા બનાવ બનતા આ યુવક ગંભીર રીતે દાઝાયો હતો.