નસવાડી એપીએમસી વોટરવર્કસમાં ત્રણ દિવસથી ફિલ્ટર વાળું પાણી ના મળતા 3000 લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો
નસવાડી: નસવાડી તાલુકાના પોચમ્બા પાણી પુરવઠા યોજનામાં નર્મદાનું ફિલ્ટર વાળું પાણી જે કેનાલ પાસેથી લેવામાં આવે છે અને પમ્પીંગ કરીને પાણી પોચમ્બા ખાતે પહોંચાડવામાં આવે છે, તે જગ્યા ઉપર ટ્રાન્સફોર્મર બળી જતા 119 ગામોને ભર ચોમાસે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. નસવાડી એપીએમસી વોટરવર્કસમાં ત્રણ દિવસથી ફિલ્ટર વાળું પાણી ના મળતા 3000 લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
નસવાડી તાલુકાના પોચમ્બા પાણીપુરવઠા યોજનામાં 119 ગામોને ફિલ્ટરવાળું પાણી પૂરું પાડવામાં આવે છે. જયારે નસવાડી તાલુકાના ખોડિયા ગામ પાસે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાંથી પાણી પમ્પીંગ કરીને લેવામાં આવે છે. ત્યાર બાદ તે પાણી પોચમ્બા ખાતે પહોંચાડવામાં આવે છે. ખોડિયા ગામ પાસે કેનાલ નજીક આવેલું ટ્રાન્સફોર્મર છેલ્લા ત્રણ દિવસથી બળી ગયું હતું. જેની જાણ પાણીપુરવઠા વિભાગના કર્મચારીઓએ નસવાડી મધ્યગુજરાત વીજકંપનીને કરી હતી. પરંતુ મધ્યગુજરાત વીજકંપનીને ત્રણ દિવસ સુધી ટ્રાન્સફોર્મર ના બદલતા પાણીનો પુરવઠો પમ્પીંગ કરીને પોચમ્બા ખાતે ના પહોંચતા 119 ગામોને ફિલ્ટર વાળું પાણી ના મળતા હાલ ચોમાસાની સીઝનમાં પણ પાણીની તંગીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેટલાક ગામો તો એવા છે કે ફક્ત પોચમ્બા પાણી પુરવઠા યોજનાના પાણી ઉપર આધાર રાખે છે. તેવા ગામો હેરાન પરેશાન થયા હતા. જયારે નસવાડી એપીએમસીના ગ્રાઉન્ડ માં વોટરવર્કસ આવેલુ છે તે વોટરવર્કસ ફક્ત નર્મદાના ફિલ્ટર વાળા પાણી ઉપર નિર્ભર છે. નસવાડીના સરકાર ફળીયા, ચાર રસ્તા, પરમાર ફળીયા તેમજ દરબારગઢ સ્ટેશન વિસ્તારમાં પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી આવે તોજ પ્રેસર થી પાણી આ વિસ્તારો માં પહોંચે છે. ત્રણ હજાર જેટલા લોકો ત્રણ દિવસથી પીવાના પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા છે. નસવાડી ગામમાં બીજીકોઈ હેંડપંપ કે હવાડા કે અન્ય કોઈ યોજનાનો લાભ નથી ફક્ત ગ્રામ પંચાયતના વોટરવર્કસ નું પાણી આવે તેના ઉપર નિર્ભર રહેતા હોવાથી લોકો હેરાન પરેશાન થયા છે. હાલ તો કર્મચારી ના જણાવ્યા મુજબ મધ્યગુજરાત વીજકંપનીને ટ્રાન્સફોર્મર રીપેર કરાવવા માટે રજુઆત કરી છે