લાંબી કતારમાં આગળ-પાછળને લઈને બોલાચાલીથી વાત ઉગ્ર બની
સ્થળ પર અફરાતફરીનો માહોલ, શહેરના અનેક પેટ્રોલ પંપ પર ભારે ભીડ
વડોદરા: શહેરમાં પેટ્રોલ માટે લાગેલી લાંબી લાઈનો વચ્ચે ફતેગંજ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર બે વાહનચાલકો વચ્ચે બોલાચાલી વધતા મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. જાહેરમાં થયેલી આ મારામારીના કારણે સ્થળ પર અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આસપાસ ઉભેલા અન્ય વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો.
માહિતી મુજબ, પેટ્રોલ લેવા માટે લાંબા સમયથી લાઈનમાં ઉભેલા વાહનચાલકો વચ્ચે આગળ-પાછળ જવાની બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં વાત એટલી વધી ગઈ કે બંને વાહનચાલકો જાહેરમાં ધક્કામુક્કી અને મારામારી પર ઉતરી આવ્યા હતા. સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી બંનેને છૂટા પાડ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરના અનેક પેટ્રોલ પંપ પર ઈંધણ માટે ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે આવી તણાવભરી ઘટનાઓ સામે આવી રહી છે.