લાભાર્થીઓ પોલીસ મથકે પહોંચતાં નાણાં પરત કરવા પડ્યા
(પ્રતિનિધિ) પેટલાદ તા.4
પેટલાદમાં ટ્રસ્ટના ગૃપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. જેનો લાભ લેવા માંગતા યુવકોના વાલી પાસેથી નિર્ધારીત નાણાં લીધા હતા. જેની સામે યુગલોને કરિયાવર આપવાની આયોજકે બાંહેધરી આપી હતી. પરંતુ આયોજકે આપેલી બાંહેધરી મુજબ કરિયાવરની વસ્તુઓ નહીં આપી નફો રળી લેવાનો કારસો રચ્યો હતો. જો કે લાભાર્થીઓએ લગ્ન મંડપમાં જ હોબાળો મચાવી સમગ્ર ઠગાઈનો પર્દાફાશ કર્યો હતો. આ મામલો પેટલાદ પોલીસ મથકે પહોંચતાં આયોજકોએ લીધેલી રકમના પચાસ ટકા જેટલા નાણાં લાભાર્થીઓને પરત કરવાની નોબત આવી હતી.
પેટલાદમાં જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટના તાબા હેઠળ જેએમ ગૃપ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવે છે. આ ટ્રસ્ટ દ્વારા એક વૃદ્ધાશ્રમ રંગાઈપુરા ખાતે ચાલી રહ્યું છે. આ ગૃપના કર્તાહર્તા વિપુલ સોલંકી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન મુજબ 3જી માર્ચના રોજ પેટલાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સમુહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સાત યુગલો જોડાયા હતા. જેઓ પરિવાર અને સગાંસંબંધીઓ સાથે લગ્ન સ્થળે પહોંચ્યા હતા. આ લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ આયોજક વિપુલ સોલંકી દ્વારા યુગલોને કરિયાવર આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે સમયે યુગલોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. કારણ કે વિપુલ સોલંકીએ જ્યારે નામ નોંધી નિયત રકમ રૂ.21 હજાર લીધા હતાં તે વખતે કરિયાવરમાં ચાંદીનું મંગલસૂત્ર, એલઈડી ટીવી, ફ્રીજ, ઘરઘંટી જેવી વસ્તુઓ આપવાની બાંહેધરી આપી હતી. જે વસ્તુ કરિયાવરમાં નહતી.
આ અંગે યુગલોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારી સાથે વિપુલ સોલંકીએ છેતરપિંડી કરી છે. આ પ્રસંગની અમોને કોઈ કંકોત્રી કે જમવાના પાસ આપ્યા નહતા. આવું આયોજન કરી નફો કમાવવાની ઉતાવળમાં લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા આપી નથી. પીવાના પાણી અને સમયસર ભોજન પણ આપવામાં આવ્યું નથી. અમોને આશરે 70 હજાર જેટલી રકમનું કરિયાવર આપવાનું વિપુલ સોલંકીએ કહ્યું નથી. ભલે અમને વસ્તુઓ ના મળી, પરંતુ અમને ભરેલા નાણાંની અડધી રકમ પરત મળવી જોઈએ. પરંતુ વિપુલ સોલંકી રકમ આપવા તૈયાર નહીં હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. જેથી આ મામલે સતત ત્રણેક કલાક સુધી પરિવારજનો અને આયોજકો વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું. આ વાતની જાણ પેટલાદ ટાઉન પોલીસને થતાં કાફલો લગ્ન સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે આયોજક વિપુલ સોલંકીને અટકાયત કરી સ્ટેશન ચોકી લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સમગ્ર આયોજનની માહિતી મેળવી આયોજક અને પરિવારજનો વચ્ચે પચાસ ટકા નાણાં પરત આપવાની શરતે સમાધાન થયું હતું. જે રકમ પરત કરતા મામલો થાળે પડ્યો હતો.
આગલે દિવસે તો હોલનું ભાડું ભર્યું
આ સમગ્ર મામલે યુગલોના પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, લગ્ન સ્થળની જાણ અમોને આગલા દિવસ સુધી કરી ન્હોતી. આ પહેલા બે વખત તો લગ્ન સ્થળ બદલાયા પછી આ ત્રીજા સ્થળે કાર્યક્રમ યોજાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આયોજક વિપુલ સોલંકીએ ભાડે રાખેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલનું ભાડું પણ આગલા દિવસે તા.૨ માર્ચના રોજ રૂ.2400 જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
