રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી કાર ચાલક સાથે વાત કરતો હતો તે સમયે દુર જવા કહેતા ઉશ્કેરાયો
(પ્રતિનિધિ) પેટલાદ તા.26
પેટલાદ શહેરમાં ટ્રાફિકથી ભરચક રેલવે ફાટક પાસે રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી વેપારીએ કાર ચાલક સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. આથી, ફરજ પરના ટ્રાફિક જવાને તેમને દુર જવાનું કહેતા વેપારી ઉશ્કેરાઇ ગયો હતો અને વર્દી તેમજ પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ટ્રાફિક પોલીસે ફરિયાદ આપતા પોલીસે વેપારી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પેટલાદ ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ જીગ્નેસસિંહ બળવંતસિંહ 25મી એપ્રિલના રોજ ટીમ સાથે રેલવે ફાટક પાસે ટ્રાફિક નિયમ કરતાં હતાં. દરમિયાનમાં સવારે દસેક વાગ્યાની આસપાસ પેટલાદ બસ સ્ટેન્ડ પાસે વાહનોને લાઇનમાં રાખી ટ્રાફિક નિયમ કરાવતા સમયે એક્ટિવા નં.જીજે 23 બીએમ 5605નો ચાલક અને તેની પાછળ બેઠેલો શખ્સ રસ્તા વચ્ચે જ વાહન ઉભુ રાખી એક કાર ચાલક સાથે વાતચીત કરતાં હતાં. આથી, એક્ટીવા ચાલકને હાલ ટ્રાફિક બહુ છે, જેથી તમે તમારુ એક્ટીવા રસ્તાની સાઇડમાં લઇ લો અથવા રેલવે ફાટક પસાર કરી આગળ જઇ તમારે જે વાતચીત કરવાની હોય તે કરો તેવું કહેતાં, એક્ટિવા પાછળ બેઠેલો શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને મારૂ નામ જયકિશન ગુલાબરાય પારપ્યારી છે. તમે મને ઓળખતા નથી. તેમ કહી પોલીસ તથા ટીઆરબી, હોમગાર્ડના કર્મચારીને ધમકાવતા જણાવ્યું હતું કે, તમારા વીડીયો ફેસબુકમાં વાયરલ કરીને તમારી વર્દી તેમજ પટ્ટા ઉતરાવી દેતા મને વાર નહીં લાગે. તેમ કહી અસભ્ય વર્તન કરવા લાગ્યો હતો. આખરે આ અંગે હેડ કોન્સ્ટેબલ જીગ્નેસસિંહે પેટલાદ શહેર પોલીસ મથકે જયકિશન ગુલાબરાય પારપ્યારી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.