Charotar

પેટલાદમાં વિદેશ મોકલવાના બહાને 18 લાખની છેતરપિંડી આચરી

પેટલાદમાં ગઠિયાએ રામ ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ખોલી વિદેશ વાંચ્છુ પાસેથી નાણા પડાવ્યાં…

પેટલાદના દંપતી સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો..

પેટલાદમાં રહેતા દંપતી સહિત ત્રણ ગઠિયાએ બોગસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ખોલી ઇઝરાયેલ મોકલવાના બહાને અનેક વ્યક્તિ સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે 18 લાખની છેતરપિડી કરી હતી. આ અંગે પેટલાદ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના રંગાઇપુરામાં રહેતા સંદીપ મહેશભાઈ પંચાલ છુટક મજુરી કરે છે. સંદીપ પંચાલને જાન્યુઆરી-2024માં પિતરાઇ પ્રતિક હસમુખભાઈ પંચાલને મળ્યાં હતાં. તેઓએ જણાવ્યું હતું કે, હસમુખ વાલજી પરમાર (રહે. કલ્યાણ સોસાયટી, પેટલાદ)ને ઓળખે છે અને તેણે કર્મ કોમ્પ્લેક્સમાં શ્રીરામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ છે. આ ટુર્સ પેકેજ તથા વિદેશ મોકલવા માટેની કન્સલટન્સીનું કામ કરે છે. હાલ ઇઝરાયેલ દેશના 63 મહિના ખેતીકામ માટે વર્ક વિઝા આપવાનું કામ કરૂ છું. તારે અથવા તારા કોઇ મિત્રને ઇઝરાયેલ જવું હોય તો મને કેહેજ. પ્રતિકની વાત માની સંદીપ 18મી જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામ ટુર ટ્રાવેલ્સની ઓફિસે હસમુખ પરમારને મળવા ગયો હતો. પરંતુ ત્યાં તેનો સાળો ભાવીન જાદવ મળ્યો હતો. જે ઓફિસનું સંચાલન કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હસમુખને મળતાં તેણે ઇઝરાયેલના વર્કવિઝા માટેની વાત કરી હતી. જેમાં હસમુખે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ સાત વર્ષ રહીને આવ્યો છું. 63 મહિના માટે ઇઝરાયેલના ખેતીકામ માટેના વર્ક વિઝા અને દર મહિને રૂ.1.25 લાખ પગાર મળશે. હું સો ટકા તમારા વિઝા મંજુર કરાવી દઇશ. એકવર્ક વિઝા ફાઇલના રૂ.4.50 લાખ લઉં છું. તમારા વિઝા, ઓફર લેટર તથા પ્લેનની ટીકીટ તથા વિઝા ફી સાથે આવી જશે. જો વિઝા ન આવે તો હું તમને તમારા પૈસા પરત આપી દઇશ. તેવી વાત કરી હતી. આ વાત પર વિશ્વાસ રાખી સંદીપ પંચાલ, તેના સાળા ઘનશ્યામ કનુ પંચાલ (રહે. કણઝટ, તા. ખંભાત) બન્ને વર્કવિઝા પર ઇઝરાયેલ જવા સહમતી દર્શાવી હતી. જેથી ભાવિન જાદવને મળી જરૂરી દસ્તાવેજ આપી ટોકન પેટે રૂ.90 હજાર આપ્યાં હતાં. આ સમયે હસમુખના પત્ની જાસ્મીને ચેકથી પૈસા હસમુખ અને રોકડ રકમ મને આપવાની વાત કરી હતી.

બાદમાં સંદીપ, તેનો સાળો ઘનશ્યામ અને પિતરાઇ પ્રતિકને 16મી મે,2024ના રોજ વડોદરા મેડિકલ કરાવવા મોકલ્યાં હતાં. જે વિધી પુરી થતાં 1લી જૂન, 2024ના રોજ ત્રણેયના જોબના ઓફર લેટર પીડીએફ સોશ્યલ મિડિયા પર મોકલી આપ્યાં હતાં અને ત્રણેયના ઓરિજનલ પાસપોર્ટ માંગ્યાં હતાં અને જેના આધારે વીઝા લાવી આપવા હસમુખે જણાવ્યું હતું. ફરી 21મી જૂનના રોજ હસમુખે ફોન કરી તમારા ઇઝરાયેલના વર્ક વિઝા થઇ ગયા છે. વિઝાનો ફોટો મોકલી પૈસાની માગણી કરી હતી. આમ, ત્રણેય યુવાનોએ હસમુખ, તેની પત્ની જાસ્મીનને અલગ અલગ સમયે રૂ.18 લાખ જેવી રકમ આપી હતી. જોકે, 26મી જુલાઇ, 2024ના રોજ પાસપોર્ટ તથા વિઝા મોકલી આપવા જણાવ્યું હતું. પરંતુ ત્રણેયમાંથી કોઇનો પણ પાસપોર્ટ કે વિઝા મોકલી આપ્યાં નહતાં. ઘરે જઇ તપાસ કરતાં હસમુખ મળી આવ્યો નહતો. તપાસ દરમિયાન રજનીશ મહેન્દ્ર રાઠોડ (રહે. ટીમ્બા, તા. ખંભાત)એ પણ રૂ.4.50 લાખ ખેતી વર્ક માટે આપેલાં હતાં. આમ, હસમુખ વાલજી પરમાર, તેની પત્ની જાસ્મીન અને સાળો ભાવીન જાદવે અનેક વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું. આ અંગે સંદીપે પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે દંપતી અને ભાવીન જાદવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top