Charotar

પેટલાદમાં વાહન ટક્કર દાદી- પૌત્ર સહિત 3ના મોત

પેટલાદના માણેજ ગામની સીમ તારાપુર – ધર્મજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો

માણેજના મણીલક્ષ્મી તીર્થ નજીક છાશ લેવા ગયા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો

(પ્રતિનિધિ) પેટલાદ તા.23

પેટલાદ તાલુકાના માણેજ ગામની સીમમાં મણીલક્ષ્મી તીર્થ નજીક તારાપુર – ધર્મજ હાઈવે પર પુરપાટ ઝડપે જતા વાહનને ત્રણ વ્યક્તિને કચડી નાંખતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ મૃતકો મણીલક્ષ્મી તીર્થ પાસે છાશ લેવા ગયાં હતાં. જ્યારે મૃતકોમાં દાદી અને પૌત્રનો સમાવેશ થાય છે. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.

પેટલાદના માણેજ ગામની ભંડાર કોલોનીમાં રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે છગનભાઈ શનાભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે અને ખેતી કરે છે. તેમનો પુત્ર લક્ષ્મણને સંતાનમાં દિકરી સોનલબહેન (ઉ.વ.12) અને દિકરો રોહિત (ઉ.વ.11) હતા. જ્યારે તેમના પત્ની મંજુલાબહેન હતા. દરમિયાનમાં 23મીને રવિવારના રોજ સવારના સાડા પાંચેક વાગ્યાની આસપાસમાં ઘનશ્યામભાઈના પત્ની મંજુલાબહેન તથા પૌત્ર રોહિત, પડોશમાં રહેતાં જયંતીભાઈ ધુળાભાઈ રાઠોડ મણીલક્ષ્મી તિર્થ ખાતે છાશનું વિતરણ કરતાં હોય ઘરેથી છાશ લેવા માટે બરણી લઇ ચાલતા નિકળ્યાં હતાં. દરમિયાનમાં છ વાગે ત્રણેયને અકસ્માત થયો હોવાનું જાણવા મળતાં ઘનશ્યામભાઈ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યાં હતાં. જોયું તો તેમનો પૌત્ર રોહિત (ઉ.વ.11)ના મોઢાના ભાગે, બન્ને પગે ગંભીર ઇજા પહોંચી હતી. તેવી જ રીતે જયંતીભાઈ રાઠોડ અને મંજુલાબહેન રોડની સાઇડમાં પડ્યાં હતાં. જેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે તાત્કાલિક 108ની ટીમ દોડી આવી હતી. પરંતુ 108ની ટીમના ડોક્ટરે તપાસતાં જ ત્રણેયને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. આ અંગે પુછપરછ કરતાં અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ધસી લાવી મંજુલાબહેન, રોહિત અને જયંતીભાઇ રોડની સાઇડમાં ચાલીને જતાં હતાં, તે વખતે પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી ઘનશ્યામભાઈ ત્યાંજ પડી ભાંગ્યાં હતાં. જોકે, અકસ્માત સર્જી વાહન ચાલક ભાગી ગયો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ઘનશ્યામભાઈએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વિવિધ ટીમોને તપાસ માટે દોડાવી હતી.

પેટલાદ ગ્રામ્ય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ. ચૌધરીએ એફએસએલની મદદ લેતા ટ્રક જેવું ભારે વાહન હોવાનું જણાયું હતું. આ ઉપરાંત આસપાસમાં તપાસ કરતાં ટ્રકની સ્ટીલની એસેસરી મળી આવી હતી. જે લઇ તપાસ કરતા હાઈવે પર આવેલી અલગ અલગ હોટેલમાં ચેક કરતાં ટ્રક બલદેવ હોટલના પાર્કીંગમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ ટ્રકમાં તપાસ કરતાં અકસ્માત સમયે ટ્રકના સિમ્બોલ તથા ટ્રકની સ્ટીલની એસેસરી પડી ગઇ હતી. તે મેચ કરી હતી. આ ઉપરાંત ટાયર પર લોહીના ડાઘ મળી આવ્યાં હતાં. આ ટ્રક નં.જીજે 21 વાય 9977 હતો. આ ટ્રકના ચાલકને શોધી પકડી પાડી પુછપરછ કરતાં તે રામસીંગ પાલા કરંગીયા (રહે. મોટા આસોટા દળ વિસ્તાર, દેવભૂમિ દ્વારકા) હોવાની કબુલાત કરી હતી.

Most Popular

To Top