Vadodara

પેટલાદમાં બોગસ માર્કશીટ આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ

પેટલાદની વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઇગ્રેશન સર્વિસ નામની ઓફીસમાં એસઓજીએ દરોડો પાડ્યો

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે 199 બોગસ દસ્તાવેજો બનાવનારને પકડી પાડ્યો

(પ્રતિનિધિ) પેટલાદ તા.19

પેટલાદમાં સરદાર પટેલ સુપર માર્કેટ ખાતે વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઇગ્રેશન સર્વિસ નામની ઓફીસમાંથી સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ અપાવી લોકોને વિદેશ મોકલવામાં આવતા હતા. આ કન્સલ્ટન્સીના માલિક કિરણ ગાંડાભાઈ પટેલ (રહે.શેખડી) દ્વારા બનાવટી માર્કશીટ, સર્ટિફિકેટ તથા જરૂરી દસ્તાવેજોના બનાવટી કાગળો બનાવવામાં આવતા હોવાની બાતમી આણંદની એસઓજીને મળી હતી. જેના આધારે પોલીસે ગતરોજ સાંજે છાપો માર્યો હતો.‌ જ્યાંથી વિદેશ મોકલવા માટેના જરૂરી 199 જેટલા બનાવટી દસ્તાવેજો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે એસઓજીએ કિરણ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ આ ઈસમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આણંદની સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસઓજી)ની ટીમ પેટલાદ ખાતે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે વખતે સાંજે આશરે 6.30 કલાકના સુમારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જલાભાઈ તથા કોન્સ્ટેબલ ભાવિકભાઈને એક સંયુક્ત બાતમી મળી હતી. જે મુજબ પોલીસે બે પંચોની રૂબરૂમાં બાતમીના આધારે રણછોડજી મંદિર પાસે આવેલ નગરપાલિકા સંચાલિત સરદાર પટેલ સુપર માર્કેટની દુકાન નં.309 ઉપર છાપો માર્યો હતો. તે સમયે ઓફીસના માલિક કિરણ ગાંડાભાઈ પટેલ (રહે.શેખડી) કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યા હતા. આ સમયે પોલીસને મળેલ બાતમી મુજબ આ વિઝા ઓફીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એસઓજીને ચોંકાવનારી વિગતો મળી હતી. આ વી હેલ્પ કન્સલ્ટન્સી ઓફીસ ઉપરથી નામાંકીત સરકારી યુનિવર્સિટીઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરેની બનાવટી માર્કશીટ, સર્ટિફિકેટ તથા અન્ય દસ્તાવેજી કાગળો આશરે 199 જેટલા મળી આવ્યા હતા.

આ ઉપરાંત બનાવટી કાગળો ઉપર સહી – સિક્કા કરવા બનાવટી રબર સ્ટેમ્પ પણ મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. કિરણ પટેલ દ્વારા પંથકના લોકોને અને ખાસ કરીને યુવક – યુવતીઓને સ્ટુડન્ટ વિઝા મારફતે કેનેડા, ઓસ્ટ્રેલીયા, યુકે, યુએસ જેવા દેશોમાં બનાવટી દસ્તાવેજી કાગળોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી મોકલવામાં આવતા હતા. એસઓજીની પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા કિરણ પટેલના કોમ્પ્યુટરમાં નામાંકિત યુનિવર્સિટી તથા કોલેજોની બનાવટી માર્કશીટો બનાવેલ જોવા મળી હતી. જેથી પોલીસે ઓફીસમાંથી કોમ્પ્યુટર, સીપીયુ, કલર પ્રિન્ટર, બનાવટી માર્કશીટ, સર્ટિફીકેટ, રબર સ્ટેમ્પ, લેટર પેટ, કવર વગેરે જેવો તમામ મુદ્દામાલ કબ્જે લીધો હતો. શૈક્ષણિક ક્ષેત્રના બનાવટી સર્ટિફીકેટો અને માર્કશીટો બનાવવાના કૌભાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ કિરણ પટેલની એસઓજીએ ધરપકડ કરી હતી. જેથી કિરણ પટેલ તથા બનાવટી દસ્તાવેજી કાગળો અને રબર સ્ટેમ્પ બનાવવામાં સીધી કે આડકતરી મદદગારો વિરૂદ્ધ પેટલાદ ટાઉન પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top