મુંબઈથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારને રૂ.70 હજારની મતાનો ફટકો
આણંદ:
પેટલાદ તાલુકાના ધર્મજ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટ નજીક પાર્ક કરેલી કારને નિશાન બનાવી તસ્કરોએ કારનો કાચ તોડી અંદરથી દાગીના અને રોકડ ભરેલી બેગની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં મુંબઈથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારે અંદાજે રૂ.70 હજારની મત્તા ગુમાવી છે. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પેટલાદ તાલુકાના ખાનપુર ગામના વતની અને હાલ મહારાષ્ટ્રના થાણાના ભીવન્ડી વિસ્તારમાં સ્થાયી થયેલા ઇન્સ્યોરન્સ વ્યવસાયી રાજેશભાઈ અરવિંદભાઈ પટેલ પોતાના સંબંધીના લગ્ન પ્રસંગે પત્ની સાથે કાર લઈને પેટલાદ આવ્યા હતા. લગ્ન સમારંભ 20મીના રોજ ધર્મજ હાઈવે પર આવેલા દેવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.
લગ્નમાં હાજરી આપવા માટે રાજેશભાઈએ હાઈવેના સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી. લગ્ન સમારંભ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમની કારના પાછળના કાચને તોડી અંદર રાખેલી ટ્રોલી બેગની ચોરી કરી લીધી હતી.
ફરિયાદમાં રાજેશભાઈએ જણાવ્યું હતું કે, ટ્રોલી બેગમાં કપડાં ઉપરાંત સોના-ચાંદીના દાગીના, રૂ.20 હજાર રોકડ તથા મહત્વના દસ્તાવેજો હતા, જે મળીને અંદાજે રૂ.70 હજારની મત્તા થાય છે.
ઘટનાની જાણ થતાં પેટલાદ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે