Charotar

પેટલાદમાં કોન્ટ્રાક્ટરને જોખમ દેખાતાં મેળો નહીં કરે !

પેટલાદના ભાદરવી અગિયારસથી શરૂ થતાં રામનાથના ભવ્ય લોકમેળાને ગ્રહણ લાગ્યું

પેટલાદમાં વરસાદના કારણે મેળો નહીં કરવા વેન્ડરે લેખિત રજૂઆત કરી

પેટલાદ પાલિકાને 25 લાખની આવકનું નુકશાન

(પ્રતિનિધિ) પેટલાદ તા.3

પેટલાદમાં દર વર્ષે ભાદરવી અગિયારસથી રામનાથનો ભવ્ય લોકમેળો યોજાય છે. જે માટે પેટલાદ નગર પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા કરી પટેલ એમ્યુઝમેન્ટને લોક મેળા માટે ગ્રાઉન્ડ ભાડે આપ્યું હતું. પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાવા સાથે કેટલીક ટેકનીકલ મુશ્કેલીઓના કારણે વેન્ડરે મેળો નહીં કરવા પાલિકાને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. જેથી ચાલુ વર્ષે પેટલાદમાં લોકમેળો નહીં ભરાવાથી પાલિકાનો પડતા ઉપર પાટું પડ્યા જેવો ઘાટ સર્જાયો છે. કારણકે પાલિકાની નબળી આર્થિક સ્થિતીમાં રૂ.25 લાખની આવકનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.

પેટલાદમાં ઐતિહાસિક અને પ્રાચિન એવા રામનાથ મંદિર પાસે લોકમેળો ભરાતો હતો. આશરે એક મહિના સુધી ચાલતા આ મેળાનું ધાર્મિક મહત્વ હતું. પરંતુ સમય જતાં રામનાથ તથા વેદનાથ મંદિરના પટાંગણની જગ્યા સિમીત હોવાથી અહીયાનો મેળો ન્યુ એજ્યુકેશન હોઈસ્કુલના મેદાનમા ભરાતો હતો. બાદમાં નગરપાલિકાના ગ્રાઉન્ડનો વિકાસ થતાં આ મેળો છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં ભરાય છે. જે માટે આશરે એક મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા કરી ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ભાદરવી અગિયારસથી શરૂ થનાર લોકમેળાની ટેન્ડર પ્રક્રિયા મહિના અગાઉ હાથ ધરવામાં આવી હતી. આ વખતે મેળા માટે ગ્રાઉન્ડ ભાડે આપવા અપસેટ કિંમત રૂ.23.92 લાખ રાખવામાં આવી હતી. જેમાં ત્રણ એજન્સીએ ટેન્ડર ભર્યા હતા. જે પૈકી સૌથી વધુ ભાવ રૂ.24.11 લાખ પટેલ એમ્યુઝમેન્ટ દ્વારા ભરતા તેઓનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યુ હતું.

આ ટેન્ડર મંજૂર થયા બાદ પાલિકાએ એજન્સીને ભાડાની રકમ ભરવા લેખિત જાણ પણ કરી હતી. પરંતુ એજન્સી લોકમેળો કરવા માટે અવઢવમાં હતા. કારણકે ચાલુ વર્ષે સતત અને ભારે વરસાદને લીધે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી જમીન ખૂબ જ નરમ થઈ ગઈ છે. જ્યાં ચકડોળો સહિત વિવિધ રાઈડ્ઝ ઉભી કરવામાં એજન્સીને જોખમકારક લાગી રહ્યું છે. આ ઉપરાંત લોકમેળા માટે સરકારની નવી એસઓપી મુજબ અનેક પરવાનગીઓ લેવામાં પણ ખૂબ જ સમય નીકળી જવાની શક્યતા હતી. બીજી તરફ 14મીથી શરૂ થનાર લોકમેળાનો દિવસ નજીક આવી રહ્યો હતો. છેવટે પેટલાદના લોકમેળામાં રાજકોટ વાળી ના થાય તે માટે એજન્સીએ સ્વૈચ્છિક રીતે પાલિકાને લેખિત રજૂઆત કરી મેળો નહીં કરવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે. આમ ચાલુ વર્ષે રામનાથના લોકમેળા ઉપર વરસાદનું ગ્રહણ નડતા નાના મોટા રોજગાર મેળવતા લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યા છે.

પેટલાદની કડકી પાલિકાને પડતાં ઉપર પાટું

પેટલાદ નગરપાલિકાની આર્થિક સ્થિતી ખૂબ જ નાજુક ચાલી રહી છે. સ્વભંડોળની આવક સતત ઘટી રહી છે. પાલિકાને માત્ર વેરા અને જુદા જુદા ભાડાની આવક જ છે. તેવામાં લોકમેળો રદ્ થતાં પાલિકાને રૂ.25 લાખ જેટલું નુકશાન થઈ રહ્યું છે. જો કે લોકમેળામાં આવતા ચકડોળો, રાઈડ્ઝ સિવાય સ્ટોલ માટે કદાચ પાલિકા કોઇ વ્યવસ્થા ઉભી કરી નાના રોજગારને પ્રોત્સાહન આપે તો નવાઈ નહીં !

Most Popular

To Top