Charotar

પેટલાદની પ્રજાની ધીરજ ખૂંટી, ટ્રેન રોકો આંદોલન કર્યું

પેટલાદમાં રેલવે ઓવરબ્રિજનું મંથરગતિએ ચાલતી કામગીરી, ફાટકો કલાકો બંધ રહેતા રોષ

નુર તલાવડી સ્થિત ફાટક કલાકો સુધી બંધ રાખતા સ્થાનિકોએ ટ્રેન રોકતા દોડધામ મચી

(પ્રતિનિધિ) પેટલાદ તા.18

પેટલાદ જંક્શન રેલ્વે સ્ટેશન થઈ‌ મેમુ ટ્રેન આવ – જા કરે છે. આ ટ્રેનમાં રોજેરોજ હજારો મુસાફરો નિયમીત અપ ડાઉન કરતા હોય છે. આણંદ – ખંભાત વચ્ચે દોડતી મેમુ ટ્રેનના રૂટમાં કુલ 31 ફાટક આવે છે. જે ટ્રેનના સમય દરમ્યાન ગેટમેન દ્વારા ખોલ – બંધ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી આ ફાટકો કલાકો સુધી બંધ રહેતા વાહન વ્યવહાર અને રાહદારીઓ હાડમારી ભોગવી રહ્યા હતા. જેથી આજરોજ પેટલાદના નૂર તલાવડી સ્થિત ફાટક નં.31 પાસે ટ્રેન રોકી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો વગેરે અટવાયા હતા. આશરે ત્રણ કલાક સુધી ટ્રેનને રોકી રાખતાં અધિકારીઓ અને રેલ્વે પોલીસ દોડતા થયા હતા. પેટલાદના સ્થાનિક ‌રહીશોનો આક્રોશ જોઈ પેટલાદ ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેઓએ આ પ્રશ્નના સુખદ ઉકેલની બાંહેધરી આપતા લોકટોળાએ ટ્રેનને જવા ટ્રેક ખુલ્લો કરી આપ્યો હતો.

આણંદ – ખંભાત વચ્ચે ચાલતી ડેમુના બદલે મેમુ ટ્રેનની સુવિધા લોકોને મળી, ઉપરાંત કોચ અને રૂટ પણ વધતા લોકોને રાહત થઈ છે. પરંતુ હવે એક નવો વિવાદ સામે આવતા સ્થાનિકોને શુક્રવારે ટ્રેન રોકો આંદોલનનો સહારો લેવો પડ્યો હતો. આ રૂટ ઉપર આણંદથી વિદ્યાનગર, કરમસદ, અગાસ, ભાટીયેલ, પેટલાદ (જંક્શન), પંડોળી, નાર, તારાપુર, સાયમા, યાવરપુરા, કાળી તલાવડી જેવા મહત્વના સ્ટોપેજ છે. આણંદ – ખંભાત વચ્ચે લગભગ 51 કિલોમીટરનું અંતર છે. જે કાપતા અગાઉ બે કલાક જેટલો સમય થતો હતો. પરંતુ આ 60 વર્ષ દરમ્યાન કોલસાથી ચાલતા એન્જીન બાદ ડેમુ અને હાલ ઈલેક્ટ્રીક મેમુ ટ્રેને સ્થાન લીધું છે. હાલ આ ટ્રેનની સ્પીડ વધુ હોવાથી આશરે દોઢ કલાકથી પણ ઓછા સમયમાં ટ્રેન આણંદથી ખંભાત પહોંચે છે. આ રૂટ ઉપર કુલ 31 ફાટક આવેલા છે. જેમાં 15 સિગ્નલ વાળા અને 16 નોન ઈન્ટરલોક એટલે કે સિંગ્નલ સિવાયના ફાટક કાર્યરત છે. આ ફાટક ટ્રેન આવવાના સમયની દશેક મિનીટ અગાઉ ખોલ – બંધ કરતા હોય છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી પેટલાદના નૂર તલાવડી પાસે આવેલ ફાટક નં.30 અને 31 કલાકો સુધી બંધ રાખવામાં આવતા હતા. જેથી વહેલી સવારે દુધ, શાકભાજી જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ લઈને આવ – જા કરતા લોકોને ભારે હાડમારી ભોગવવી પડતી હતી. આ ઉપરાંત દિવસના રૂટો સમયે પણ કલાક સુધી ફાટક બંધ રાખતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, વેપારીઓ વગેરે હાલાકી ભોગવતા હતા. જેથી આજરોજ સવારે આઠ વાગ્યાની ખંભાત – આણંદ ટ્રેનને નૂર તલાવડીના રહીશોએ રોકી આક્રોશ ઠાલવ્યો હતો.

આ અંગે સ્થાનિકોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, રેલ્વેની આ આડોડાઈ છે. આ વિસ્તારમાં જો કોઈ વૃદ્ધ કે પ્રસુતા કે કોઈ અચાનક બિમાર થાય તો અમારે હોસ્પિટલ કેવી રીતે લઈ જવા ? ફાટક કલાકો સુધી બંધ રહેતા બાળકોના અભ્યાસને અસર થઈ રહી છે, વેપાર રોજગારીનું નુકશાન થતાં આર્થિક ભારણ વધી રહ્યું છે. અત્યાર સુધી ફાટક પાંચ – દસ મિનીટમાં ટ્રેન પસાર થતાં જ ખુલી જતી હતી. તો હવે કેમ કલાકો સુધી ફાટક બંધ રાખવામાં આવે છે ? પેટલાદના લોકો સાથે રેલ્વે તંત્ર ઓરમાયું વર્તન કરતા હોવાનો રોષ‌ પણ સ્થાનિકો ઠાલવી રહ્યા હતા. આ સમસ્યાને લઈ નૂર તલાવડી અને આજુબાજુના વિસ્તારમાંથી લોકટોળા ફાટક નં.31 ઉપર આવીને દેખાવો કર્યા હતા. આ મામલે પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ સ્થાનિકોને જણાવ્યું હતું કે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે આ પ્રશ્ન સંદર્ભે ચર્ચા થઈ છે. જેનો વહેલીતકે સુખદ અંત આવશે. ધારાસભ્યની આવી બાંહેધરી મળ્યા બાદ આંદોલન સમેટાતા લગભગ બે કલાકે ટ્રેનને જવા સ્થાનિકોએ ટ્રેક ખુલ્લો કરી આપ્યો હતો.

Most Popular

To Top